ભારત અને બ્રિટન વચ્ચેના સંબંધો એક નવા યુગમાં પ્રવેશી રહ્યા છે. બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમરની ભારત મુલાકાત દરમિયાન બંને દેશોએ શિક્ષણ, સંરક્ષણ, વેપાર અને ખનિજ ક્ષેત્રે અનેક મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કર્યા છે. આ મુલાકાતની સૌથી મોટી જાહેરાત એ રહી કે નવ અગ્રણી બ્રિટિશ યુનિવર્સિટીઓ હવે ભારતમાં પોતાના કેમ્પસ ખોલશે.
ઉચ્ચ શિક્ષણમાં મોટું પગલું
બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમરે મુંબઈમાં જાહેર કર્યું કે યુકેની નવ પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ ભારતમાં શૈક્ષણિક કેમ્પસ સ્થાપશે. આ પગલું ભારતીય વિદ્યાર્થીઓને દેશમાં બેઠા વિશ્વસ્તરીય શિક્ષણની તક આપશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ભાગીદારીને સ્વાગત કરતા જણાવ્યું કે ભારતની નવી શિક્ષણ નીતિ આંતરરાષ્ટ્રીય સહકાર માટે અનેક દ્વાર ખોલી રહી છે. હાલ ગુરુગ્રામમાં સાઉધમ્પ્ટન યુનિવર્સિટીનું કેમ્પસ કાર્યરત છે અને આ પહેલ ભારતીય ઉચ્ચ શિક્ષણમાં ક્રાંતિ લાવશે.
સંરક્ષણ ક્ષેત્રમાં નવો અધ્યાય
મહત્વપૂર્ણ કરાર અંતર્ગત ભારતીય વાયુસેનાના ફ્લાઈંગ પ્રશિક્ષકો હવે બ્રિટિશ રોયલ એર ફોર્સને તાલીમ આપશે. આ પહેલી વાર છે જ્યારે ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે સંરક્ષણ તાલીમની ભૂમિકા ભજવશે. આ પગલું ભારત-યુકે વચ્ચેના રક્ષા સંબંધોને વધુ મજબૂત બનાવશે અને બંને દેશોની વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઊંચાઈએ પહોંચાડશે.
ખનિજ અને સંશોધનમાં સહયોગ
ઝારખંડના ધનબાદ ખાતે ઇન્ડિયન સ્કૂલ ઓફ માઇન્સ (IIT-ISM)માં ભારત-યુકે દ્વારા “સપ્લાય ચેઇન ઓબ્ઝર્વેટરી” સ્થાપવાની યોજના છે. જે મહત્વપૂર્ણ ખનિજોની સપ્લાય ચેઇન પર નજર રાખશે. આ પહેલ ભારતને ઊર્જા અને ખનિજ ક્ષેત્રે આત્મનિર્ભર બનવામાં મદદ કરશે અને વૈશ્વિક સપ્લાય ચેઇન સુરક્ષિત બનાવશે.
વ્યવસાય અને ટેકનોલોજીમાં નવી તકો
જુલાઈમાં થયેલા વ્યાપક આર્થિક અને વેપાર કરાર (CETA) પછી બંને દેશો હવે AI, અદ્યતન સંદેશાવ્યવહાર અને સંરક્ષણ ટેકનોલોજી ક્ષેત્રે સહકાર વધારશે. વડા પ્રધાન મોદીએ જણાવ્યું કે આ કરારો રોજગારની તકો ઉભી કરશે અને યુવાનોને વૈશ્વિક સ્તરે નવી તક આપશે.
સ્ટારમરે યશ રાજ સ્ટુડિયોની મુલાકાત દરમિયાન જાહેરાત કરી કે બ્રિટનમાં બોલિવૂડ ફિલ્મ નિર્માણને પ્રોત્સાહન આપવા માટે એક સાંસ્કૃતિક કરાર પણ કરવામાં આવ્યો છે.
ભવિષ્યની ભાગીદારી તરફ પગલું
સ્ટારમરે કહ્યું “અમે ભારતની વિકાસ યાત્રાના સાથી બનવા માંગીએ છીએ. આ માટે હું સાથે 126 બ્રિટિશ વ્યવસાયોને લાવ્યો છું.” તેમણે ભારતના 2047 સુધી વિકસિત રાષ્ટ્ર બનવાના લક્ષ્યને બિરદાવ્યું. આ મુલાકાતે સ્પષ્ટ કર્યું છે કે ભારત અને યુકે ભવિષ્યના વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે હવે મજબૂત ભાગીદારી તરફ આગળ વધી રહ્યા છે.