Vadodara

​આજવા રોડ પર દબાણ દૂર કરવા ગયેલી કોર્પોરેશનની ટીમ પર સ્થાનિકોનો ઉગ્ર હુમલો

આજવા રોડ રણમેદાન બન્યો!
મામલો શાંત પાડવા પોલીસનો હળવો બળપ્રયોગ, 2-3 વ્યક્તિ ઘાયલ.

વડોદરા શહેરના વિકાસ માટે મહત્વની ગણાતી કોર્પોરેશનની દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન આજે આજવા રોડ વિસ્તારમાં તંગદિલીભર્યો માહોલ સર્જાયો હતો. ઈબ્રાહિમ બાવા આઈટીઆઈ પાસેના મુખ્ય ટીપી સ્કીમ ના રસ્તા પરના ગેરકાયદે દબાણો દૂર કરવા પહોંચેલી કોર્પોરેશનની ટીમ અને સ્થાનિક રહીશો વચ્ચે મોટો વિવાદ થતા પરિસ્થિતિ એટલી વણસી કે આખરે પોલીસને મામલો શાંત પાડવા માટે હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.

​શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કોર્પોરેશન દ્વારા ગેરકાયદે બાંધકામો અને દબાણો તોડવાની કાર્યવાહી ચાલી રહી છે, જે અંતર્ગત આજે ટાઉન પ્લાનિંગ અને દબાણ શાખાની ટીમ પોલીસ કાફલા સાથે આજવા રોડ વિસ્તારમાં ત્રાટકી હતી. મુખ્ય ટીપી રસ્તા પરના દબાણો હટાવવાની કામગીરી શરૂ થાય તે પહેલા જ સ્થાનિક રહીશોએ તેનો ઉગ્ર વિરોધ શરૂ કર્યો હતો. સ્થાનિકોએ એકઠા થઈને કામગીરી અટકાવવાનો પ્રયાસ કરતા કોર્પોરેશનની ટીમ માટે કામ કરવું મુશ્કેલ બન્યું હતું.
સ્થાનિક રહીશોનો વિરોધ સમય જતાં આક્રમક બન્યો હતો, જેને પગલે કોર્પોરેશનની ટીમ અને સ્થાનિકો વચ્ચે ઉગ્ર ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. પરિસ્થિતિ બેકાબૂ બનતી જોઈને ઘટનાસ્થળે હાજર પોલીસ કાફલાએ સૌપ્રથમ રહીશોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, વિરોધીઓ કોઈ પણ વાત માનવા તૈયાર ન થતાં અને સતત વિરોધ ચાલુ રાખતા, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આખરે પોલીસને બળનો ઉપયોગ કરવો પડ્યો હતો.

પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે હળવો લાઠીચાર્જ કર્યો હતો. લાઠીચાર્જ અને ભાગદોડને કારણે વિસ્તારમાં થોડીવાર માટે અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનામાં બેથી ત્રણ જેટલા વ્યક્તિઓને ઈજા પહોંચી હોવાની માહિતી જાણવા મળી છે. જોકે, પોલીસે કડક વલણ અપનાવતા અને બળપ્રયોગ કરતા મામલો તુરંત જ થાળે પડ્યો હતો અને તંગદિલીભરી શાંતિ છવાઈ હતી.
​પોલીસની કાર્યવાહી બાદ કોર્પોરેશન દ્વારા દબાણ હટાવવાની ઝુંબેશ ફરીથી શરૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મ્યુનિસિપલ તંત્રે સ્પષ્ટ કર્યું છે કે, શહેરના વિકાસ માટે નડતરરૂપ એવા દબાણો સામે તેમની આ ઝુંબેશ સતત ચાલુ રહેશે. આજના બનાવને પગલે વિસ્તારમાં થોડા સમય માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

Most Popular

To Top