મધ્યપ્રદેશમાં 20 બાળકોના મોતના કેસમાં મોટી કાર્યવાહી થઈ છે. ઝેરી કોલ્ડ્રિફ કફ સિરપ બનાવનારી કંપની શ્રીસેન ફાર્માના માલિક રંગનાથનની ચેન્નાઈમાં ધરપકડ કરવામાં આવી છે. આ સિરપમાં ભેળસેળ હોવાની પુષ્ટિ થઈ છે. જે બાળકોના મોતનું કારણ બની છે.
તમિલનાડુ સ્થિત શ્રીસેન ફાર્મા દ્વારા ઉત્પાદિત કોલ્ડ્રિફ કફ સિરપને કારણે મધ્યપ્રદેશમાં 20 બાળકોનાં મોત થયા હતા. આ મામલામાં હવે મોટી કાર્યવાહી થઈ છે. મધ્યપ્રદેશ પોલીસે કંપનીના માલિક એસ. રંગનાથનને ચેન્નાઈમાંથી ઝડપ્યો છે. પોલીસે જણાવ્યું છે કે સિરપમાં ઝેરી પદાર્થો મળ્યા છે. જેનાથી બાળકોના શરીરે ગંભીર પ્રતિક્રિયા થઈ હતી.
છિંદવાડાના પોલીસ અધિક્ષક અજય પાંડેએ જણાવ્યું કે રંગનાથનને ચેન્નાઈની કોર્ટમાં રજૂ કર્યા બાદ ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવીને મધ્યપ્રદેશ લાવવામાં આવશે. શ્રીસેન ફાર્મા સામે પોલીસ અને આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કંપનીએ ગુણવત્તા ધોરણોની અવગણના કરી હતી અને બેદરકારીથી ઝેરી સિરપ બજારમાં મુકાયું હતું.
પોલીસે ચેન્નાઈમાં કંપનીની ઓફિસ અને ગોડાઉનમાં દરોડા પાડીને દસ્તાવેજો અને સેમ્પલ જપ્ત કર્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ કેસમાં વધુ ધરપકડો પણ શક્ય છે. સિરપના વિતરણ નેટવર્ક અને દવાઓ વેચતી ફાર્મસીઓની પણ પૂછપરછ ચાલી રહી છે.
સરકારે આ ઘટનાની ગંભીરતા જોતા લોકોને કોલ્ડ્રિફ સિરપનો ઉપયોગ તાત્કાલિક બંધ કરવાની અપીલ કરી છે. સાથે જ અસરગ્રસ્ત પરિવારોને વળતર અને ન્યાય આપવાનો વિશ્વાસ આપ્યો છે.
આ ઘટના પછી ફાર્માસ્યુટિકલ ઉદ્યોગની ગુણવત્તા તપાસ અને નિયમનકારી વ્યવસ્થાની ખામી ફરી એકવાર ચર્ચામાં આવી છે. નિષ્ણાતોનું માનવું છે કે આવી દુર્ઘટનાઓ અટકાવવા માટે નિયમિત નિરીક્ષણ અને સખ્ત કાયદાકીય પગલાં લેવાની જરૂર છે.
હાલ પોલીસ રંગનાથન પાસેથી ભેળસેળના સ્ત્રોત અને સપ્લાય ચેઇન વિશે વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે.