વડોદરાના ઓલ્ડ પાદરા રોડની ઘટના , સદનસીબે જાનહાનિ ટળી
વડોદરા: શહેરના ઓલ્ડ પાદરા રોડ પર બુધવાર સાંજના અરસામાં ઓવર સ્પીડમાં દોડતા એક ડમ્પરના કારણે મોટો અકસ્માત સર્જાયો હતો. ડમ્પર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ડમ્પર રોડની વચ્ચે આવેલા ડિવાઈડર પર ચઢી ગયું હતું અને ત્યાં લગાવેલા સ્ટ્રીટ લાઇટના થાંભલાઓને પણ નુકસાન પહોંચાડ્યું હતું.
બનાવની વિગતો મુજબ, ડમ્પર બેફામ ગતિએ આવી રહ્યું હતું. ડ્રાઇવરે અચાનક કાબૂ ગુમાવતા ડમ્પર ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાયું હતું. અકસ્માતના કારણે રોડ પરનો વાહન વ્યવહાર થોડા સમય માટે ખોરવાયો હતો.
સદનસીબે, આ ગંભીર અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. અકસ્માત સ્થળે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. ડમ્પર દ્વારા થયેલા નુકસાનને જોતા, જો આ સમયે આસપાસ કોઈ રાહદારી કે વાહનચાલક પસાર થઈ રહ્યા હોત, તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત.
ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ઓવર સ્પીડ અને બેદરકારીથી વાહન ચલાવવા બદલ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ ફરી એકવાર શહેરના માર્ગો પર ભારે વાહનોની ગતિ મર્યાદાના ભંગ અને બેફામ ડ્રાઇવિંગના જોખમ પર સવાલો ઉભા કર્યા છે.