’શહેરી વિકાસ વર્ષ-2025’ની ઉજવણી: સ્થાનિક કારીગરો-વેપારીઓને પ્રોત્સાહન; 18 ઑક્ટોબર સુધી સ્વદેશી ઉત્પાદનો અને હસ્તકલાનું વેચાણ.
વડોદરા : ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા રાજ્યભરમાં ઉજવાઈ રહેલા ‘શહેરી વિકાસ વર્ષ-2025’ ના ભાગરૂપે વડોદરા મહાનગરપાલિકા અને ઇન્ડેક્ષ-સીના સંયુક્ત ઉપક્રમે વિકાસ સપ્તાહ-2025 અંતર્ગત એક ભવ્ય ‘હર ઘર સ્વદેશી – ઘર ઘર સ્વદેશી’ શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય વડોદરાના સ્થાનિક કારીગરો, વેપારીઓ અને સ્વ-સહાય જૂથોને પ્રોત્સાહન આપવાનો અને કેન્દ્ર સરકારની ‘આત્મનિર્ભર ભારત’ તથા ‘વોકલ ફોર લોકલ’ ની વિચારધારાને મૂર્તિમંત કરવાનો છે.
વડોદરા મહાનગરપાલિકાની જણાવ્યા અનુસાર, આ શોપિંગ ફેસ્ટિવલનો શુભારંભ તારીખ 10 ઓક્ટોબર-2025ના રોજ સાંજે 4:00 કલાકે મહાનુભાવોના હસ્તે ભીમનાથ બ્રિજ, જેલ રોડ ખાતે કરવામાં આવશે. આ ફેસ્ટિવલ આગામી તારીખ 18 ઓક્ટોબર-2025 સુધી નગરજનો માટે ખુલ્લો રહેશે.
વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે, આજની યુવા પેઢીને લોક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ સાથે જોડવાના ઉમદા હેતુથી એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ તારીખ 12 ઓક્ટોબર-2025ના રોજ શહેરના અકોટા સ્ટેડીયમ ખાતે સાંજે 7 થી રાત્રીના 10 કલાક દરમિયાન યોજાશે.
આ સાંસ્કૃતિક સંધ્યામાં જાણીતા ગાયક કલાકાર હરીઓમ ગઢવી અને પૂર્વા મંત્રી વિવિઘ સાંસ્કૃતિક ગીત-સંગીતની પ્રસ્તુતી રજૂ કરશે. આ કાર્યક્રમ શહેરના નાગરિકો અને ખાસ કરીને યુવાનોને લોક સંસ્કૃતિથી પરિચિત કરાવવાનો એક ઉત્તમ પ્રયાસ છે.
નાગરિકોને વિકાસ સપ્તાહ અંતર્ગત આયોજિત આ બંને મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભાગ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
આ શોપિંગ ફેસ્ટિવલ શહેરના નાગરિકોને એક જ સ્થળે ઉત્કૃષ્ટ ગુણવત્તાવાળા સ્વદેશી ઉત્પાદનોની ખરીદી કરવાનો સુવર્ણ અવસર પૂરો પાડશે. આગામી દિવાળીના તહેવારોને અનુલક્ષીને, અહીં વિવિધ પ્રકારની વસ્તુઓ ઉપલબ્ધ રહેશે, જેમાં મુખ્યત્વે:
ગ્રામીણ અને શહેરી સ્વ-સહાય જૂથો દ્વારા તૈયાર કરાયેલ ભરતકામ, માટીકામ અને હાથશાળની વસ્તુઓ.
વડોદરાની વિશેષતા ધરાવતી સ્વાદિષ્ટ વાનગીઓ અને નાસ્તા.
પી.એમ. સ્વનિધિ , સ્ટ્રીટ વેન્ડર્સના વિવિધ ઉત્પાદનો અને સેવાઓ, પેઇન્ટિંગ્સ, સુશોભનની વસ્તુઓ અને પરંપરાગત ઘરેણાંનું વેચાણ થશે.
આ ફેસ્ટિવલનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને સ્થાનિક ઉત્પાદનો ખરીદવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે, જેનાથી સ્થાનિક વેપારીઓ અને કારીગરોને સીધો લાભ મળી શકે અને સ્થાનિક પ્રતિભાને પ્રોત્સાહન મળે.
વડોદરા મહાનગરપાલિકાના કમિશનર અરુણ મહેશ બાબુ. એ શહેરના તમામ નાગરિકોને આ ‘હર ઘર સ્વદેશી – ઘર ઘર સ્વદેશી’ શોપિંગ ફેસ્ટિવલમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા અને સ્થાનિક અર્થતંત્રને મજબૂત બનાવવાની આ પહેલમાં સહભાગી થવા વિનંતી કરી છે.