સબ સેનેટરી ઇન્સ્પેક્ટરનું વેઇટિંગ લિસ્ટ જાહેર કરી બે ઉમેદવારોને નિમણૂક આપી
પાલિકા પાસે વોર્ડ દીઠ સફાઈના પૂરતા સાધનો અને સ્ટાફનો અભાવ
વડોદરા : મહાનગરપાલિકાએ જુનિયર ક્લાર્ક અને MPW બાદ હવે સબ સેનેટરી ઇન્સ્પેક્ટર પદ માટેનું વેઇટિંગ લિસ્ટ જાહેર કર્યું છે. આ લિસ્ટ મુજબ બે ઉમેદવારોને નિમણૂક આપવામાં આવી છે. વર્ષ 2024 દરમિયાન આ પદ માટે 10 ઉમેદવારોની પરીક્ષા લેવામાં આવી હતી. ત્યારબાદ બે કર્મચારીઓએ નોકરી છોડતા ખાલી પડેલી જગ્યાઓને ધ્યાને લઈ પાલિકાએ હવે વેઇટિંગ લિસ્ટ જાહેર કર્યું છે.
મળતી માહિતી મુજબ, હાલ વડોદરા મહાનગર પાલિકામાં કુલ 50થી વધુ સબ સેનેટરી ઇન્સ્પેક્ટરની જગ્યા ખાલી છે. તેની સામે આશરે 26 જેટલા જ સબ સેનેટરી ઇન્સ્પેક્ટર શહેરના વિવિધ વોર્ડમાં કામગીરી સંભાળી રહ્યા છે. સફાઈ વિભાગની દેખરેખ, સફાઈ કામદારોની હિલચાલ, અને વોર્ડ સ્તરે સફાઈ કામગીરીનું આયોજન જેવા મહત્વના કામકાજ સબ સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવે છે. પૂરતા સંખ્યામાં ઇન્સ્પેક્ટર ઉપલબ્ધ ન હોવાથી સફાઈ કામગીરીની ગુણવત્તા અને દેખરેખ પર અસર થઈ રહી છે.
મહાપાલિકાના આંતરિક સૂત્રો જણાવે છે કે, છેલ્લા ઘણા સમયથી સબ સેનેટરી ઇન્સ્પેક્ટર પદ માટે નવી ભરતી હાથ ધરાઈ નથી. કેટલીક જગ્યાઓ ખાલી હોવા છતાં વિભાગ દ્વારા ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી નથી. ઉપરાંત, લાંબા સમયથી કાર્યરત કર્મચારીઓને પ્રમોશન પણ આપવામાં આવ્યાં નથી. શહેરમાં રોજબરોજના કચરા સંચાલન, રસ્તા અને જાહેર સ્થળોની સફાઈ, તેમજ વોર્ડ સ્તરે કામદારોની દેખરેખમાં સબ સેનેટરી ઇન્સ્પેક્ટરનું મહત્વપૂર્ણ યોગદાન રહે છે. પરંતુ ખાલી જગ્યાઓને કારણે દરેક ઇન્સ્પેક્ટર પર કામનો ભાર વધી રહ્યો છે. અત્રે નોંધનીય છે કે, પાલિકા પાસે સફાઈના પૂરતા સાધનો પણ નથી અને પૂરતો સ્ટાફ પણ નથી ત્યારે શહેરમાં સફાઈ જેવી મહત્વની કામગીરી પર ખૂબ અસર થઈ રહી છે. બીજી તરફ, વહીવટી વિભાગ દ્વારા પણ છેલ્લા ઘણા સમયથી નવી ભરતી કે પ્રમોશન માટેની કોઈ પ્રક્રિયા હજુ સુધી જાહેર કરાઈ નથી. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ વડોદરામાં સફાઈ મુદ્દે ટકોર કરી હતી તેમ છતાં હજુ પણ પાલિકા આ બાબતે સતર્ક બની હોય તેવું લાગતું નથી.