વેરો નહીં ભરનારની ખેર નહીં: 40 ટકા લક્ષ્યાંક બાકી, હવે 18% વ્યાજ અને 50% સુધી દંડ સાથે વસૂલાત થશે; 16,892 PRC ખાતા હજી ક્લિયર થવાના બાકી
વડોદરા : મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2025-26 માટે વ્યવસાય વેરાની આવકનો ₹63.25 કરોડનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે. જોકે, વ્યવસાય વેરો ભરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર સુધીમાં કોર્પોરેશનને ₹38.57 કરોડની આવક થઈ છે, જે લક્ષ્યાંક કરતાં હજુ ઘણું ઓછું છે.
કોર્પોરેશન દ્વારા શહેરની હદમાં વ્યવસાય કરતા તમામ વ્યવસાયીકોને 30 સપ્ટેમ્બર સુધીમાં વેરો ભરી દેવા માટે અપીલ કરવામાં આવી હતી. આ મુદત પૂરી થઈ ચૂકી છે, અને હવે વેરો નહીં ભરનાર સામે દંડાત્મક કાર્યવાહી થઈ શકે છે.
મળેલા આંકડા મુજબ, કોર્પોરેશનમાં PRC (રજીસ્ટ્રેશન) હેઠળના આશરે 28,227 ખાતાઓ ક્લિયર થઈ ગયા છે, જ્યારે 16,892 ખાતાઓ ક્લિયર થવાના બાકી છે.
આ ઉપરાંત, PEC (એમ્પ્લોયર) હેઠળના અંદાજે 6,939 ખાતાઓ ક્લિયર થયા છે. કોર્પોરેશન દ્વારા આ વખતે પહેલી વખત બિલ આપવાની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં 1 ઓગસ્ટ સુધીમાં PECના નોંધાયેલા 45,119 ખાતાના બિલ આપવામાં આવ્યા હતા.
જે વ્યવસાયીકોએ સમયમર્યાદામાં વ્યવસાય વેરો ભર્યો નથી, તેમના માટે હવે મુશ્કેલી વધી શકે છે. કોર્પોરેશન હવે આવા કરદાતાઓ પાસેથી વેરાના નાણાં, વ્યાજ અને પેનલ્ટી સાથે વસૂલ કરવા માટે મહેસુલી રાહે પગલાં લઈ શકે છે.
વ્યવસાય વેરો ન ભરવાના કિસ્સામાં, બાકી લેણું અને વેરાની રકમના 50% સુધી દંડ થઈ શકે છે અને 18% વ્યાજ પણ વસૂલવામાં આવે છે. કોર્પોરેશન હવે બાકી રહેલા વ્યવસાય વેરાની વસૂલાત માટે આકરા પગલાં લેવાની તૈયારીમાં છે, જેથી લક્ષ્યાંકને આંબી શકાય.