Vadodara

વડોદરા : અકસ્માતના ઝઘડામાં છોડાવવા પડેલા યુવકનો એક બાઈક ચાલકે બચકું ભરી કાન કરડી ખાધો

કાનનો ટુકડો લઈ એસએસ હોસ્પિટલમાં પહોંચતા ટાંકા લઈ જોડવામાં આવ્યો
વડોદરા તા.8

વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર ગુરુકુળ ચાર રસ્તા પાસે બે ટુ વ્હીલર વચ્ચે અકસ્માત બાદ મામલો બિચકયો હતો. બે વાહનના ચાલક વચ્ચે તકરાર ચાલતી હતી. દરમિયાન એક યુવક છોડાવવા માટે વચ્ચે પડ્યો હતો. ત્યારે ઉસ્કેરાયેલા બાઇક ચાલકે યુવકના કાન પર બચકું ભરી અડધો કાન છૂટો પાડી દીધો હતો. સયાજી હોસ્પિટલમાં કાનનો ટુકડો લઈને પહોંચતા ડોક્ટર દ્વારા ટાંકા લઈને ફરી જોડવામાં આવ્યો હતો. આ મામલો કપૂરાઈ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.

વાઘોડિયા રોડના મધુવનનગરમાં રહેતો સાગરભાઇ (ઉં.વ.25) નામનો યુવક પશુપાલન કરે છે ગત તા.30 સપ્ટેમ્બરના રોજ રાત્રે દોઢ વાગ્યાની આસપાસ ગુરુકુળ સર્કલ ખાતે અકસ્માત થતા એકટીવા ચાલક મિત્ર વિકાસ કશ્યપ તથા ઈલેક્ટ્રીક ટુ વ્હીલર ચાલક ધાર્મિક સોની વચ્ચે ઝઘડો થઈ રહ્યો હતો. જેથી સાગર છોડાવવા માટે વચ્ચે પડયો હતો. ત્યારે ધાર્મિક સોનીએ આ યુવક સાથે પણ ઝપાઝપી કરવા લાગ્યો હતો. જેથી યુવક તેનું બુલેટ બાઈક લઈ પોલીસ સ્ટેશન જઈ રહ્યો હતો. દરમિયાન ઉસ્કેરાયેલા ધાર્મિક સોનીએ બુલેટ ચાલક સાગરને નીચે પાડી દીધો હતો અને ધાર્મિક સોની તથા અન્ય એક શખ્સે તેની સાથે ઝપાઝપી મારામારી કરી હતી. દરમિયાન ધાર્મિક સોનીએ સાગરના કાન ઉપર બચકું ભરી લેતા કાનનો ઉપરનો ભાગ છૂટો થઈ ગયો હતો. જેથી તેનો મિત્ર સર્કલ પાસેથી કાનનો ટુકડો લઇ આવતા સયાજી હોસ્પિટલમાં ટાંકા લઈ જોડવામાં આવ્યો હતો. સાગરે ફરિયાદ નોંધાવતા પોલીસે ધાર્મિક સોની અને તેના મિત્ર વિરુદ્ધ નોધી કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top