જીઆઇડીસી, ઘાઘરેટીયા અને અંબે ફીડરના આસપાસના વિસ્તારમાં મેન્ટેનન્સ કામગીરી હાથ ધરાશે
માણેજા, મધુસાગર, વાડી સહિતના 8 ફીડરના વિસ્તારોમાં સમારકામ; કામ વહેલું પત્યે વીજળી તાત્કાલિક ચાલુ થશે

મધ્ય ગુજરાત વીજ કંપની (MGVCL) દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવશ્યક રીપેરીંગ અને મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી આગામી ચાર દિવસ દરમિયાન વીજ પુરવઠો નિયત સમય માટે બંધ રાખવામાં આવશે. લાલબાગ વિભાગ કચેરીના કાર્યપાલક ઇજનેર દ્વારા આ અંગેની જાણકારી આપવામાં આવી છે, જેમાં જણાવ્યા મુજબ, બુધવાર, તા. 8 ઓક્ટોબરથી શરૂ કરીને શનિવાર, તા. 11 ઓક્ટોબર સુધી જુદા જુદા ફીડર હેઠળ આવતા વિસ્તારોમાં સવારે 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.
સૌ પ્રથમ, તા. 8 ઓક્ટોબર, બુધવારના રોજ સવારે 7 થી 11 વાગ્યા દરમિયાન જીઆઇડીસી સબ ડિવિઝનના માણેજા ફીડર વિસ્તાર અને તેની આસપાસના વિસ્તારોમાં રીપેરીંગ અંગે વીજ પુરવઠો બંધ રહેશે.
ત્યારબાદ, તા. 9 ઓક્ટોબર, ગુરુવારના રોજ શહેરીજનોને ત્રણ અલગ-અલગ વિસ્તારોમાં વીજકાપનો સામનો કરવો પડશે. આ દિવસે મધુસાગર ફીડરના આસપાસના વિસ્તારમાં તેમજ સૂર્ય દર્શન આસપાસના વિસ્તાર સહિત અને ઘાઘરેટીયા ફીડરની આસપાસમાં આવેલા વિસ્તારમાં નિયત સમયે વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે.
આ ઉપરાંત, તા. 10 ઓક્ટોબર, શુક્રવારના રોજ પણ બે અલગ ફીડરના વિસ્તારો પ્રભાવિત થશે. આ દિવસે સવારે 7 થી 11 વાગ્યા દરમિયાન નવીનો ફીડરના આસપાસનો વિસ્તાર અને તેવી જ રીતે વાડી ફીડરના આસપાસનો વિસ્તાર રીપેરીંગ કામગીરી માટે વીજ પુરવઠા વંચિત રહેશે.
તા. 11 ઓક્ટોબર, શનિવારના રોજ સવારે 7 થી 11 વાગ્યાના સમયગાળામાં અંબે ફીડર આસપાસના વિસ્તારમાં સમારકામ હાથ ધરવામાં આવશે.
વીજ કંપની દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે ગ્રાહકોને થતી અસુવિધા ઓછી કરવા માટે રીપેરીંગનું કામ વહેલુ પૂરું થયેથી કોઈપણ જાતની અગાઉથી જાણ કર્યા વિના વીજ પુરવઠો પુનઃ ચાલુ કરી દેવામાં આવશે. તમામ ગ્રાહકોને આ આયોજિત વીજકાપ દરમિયાન સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.