Vadodara

છાણી STPમાંથી GSFC, GACL અને GIPCLને 50 MLD પાણી આપવાનું આયોજન

છેલ્લા પાંચ વર્ષમાં રૂ. 749 કરોડના પાણી-નિકાશ કામ પૂર્ણ

શેરખી, ગાજરાવાડી, ઉંડેરા અને વડદલા ખાતે 301 MLD ક્ષમતાના 4 નવા STPનું કામ પ્રગતિ પર

વડોદરા મહાનગરપાલિકા શહેરને સ્વચ્છ અને વોટર પ્લસ બનાવવા માટે મોટા પાયે કામગીરી કરી રહી છે. સ્થાયી સમિતિ અધ્યક્ષ ડૉ. શીતલભાઈ મિસ્ત્રીના દાવા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2070 સુધી નેટ ઝીરો ઈમિશનના લક્ષ્યાંકને અનુરૂપ વડોદરામાં પાણી અને નિકાશ વ્યવસ્થાના વિકાસ માટે મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં પાલિકાએ રૂ. 749 કરોડના 40 કામ પૂર્ણ કર્યા છે, જ્યારે રૂ. 485 કરોડના કામ હાલ ચાલુ છે. ઉપરાંત રૂ. 400 કરોડના 44 નવા પ્રોજેક્ટનું આયોજન થયું છે. હાલમાં શહેરમાં દરરોજ આશરે 512 MLD મલિનજળ ઉત્પન્ન થાય છે, જ્યારે 662 MLD ક્ષમતાના મલિનજળ શુદ્ધિકરણ પ્લાંટ કાર્યરત છે. 2050 સુધી અંદાજીત 54 લાખ વસ્તીને ધ્યાનમાં રાખીને 989 MLD ક્ષમતાનું લક્ષ્યાંક 2026 સુધી હાંસલ કરવાની તૈયારી છે. છેલ્લા પાંચ વર્ષમાં 586 કરોડના ખર્ચે કપુરાઈ, ભાયલી, છાણી, વેમાલી, અટલાદરા અને તરસાલી ખાતે 353 MLD ક્ષમતાના 6 નવા STP ઉભા કરાયા છે. ઉપરાંત કપુરાઈ, છાણી અને અટલાદરા ખાતે 150 MLD ક્ષમતાના STP અપગ્રેડેશનનું આયોજન છે. શેરખી, ગાજરાવાડી, ઉંડેરા અને વડદલા ખાતે 301 MLD ક્ષમતાના 4 નવા STPનું કામ ચાલી રહ્યું છે.

હાલ શહેરમાં 61 સુવેઝ પમ્પિંગ સ્ટેશન કાર્યરત છે, જ્યારે 33.71 કરોડના ખર્ચે 7 નવા સ્ટેશનના કામ ચાલી રહ્યા છે. 22.70 કરોડના ખર્ચે 26 સ્ટેશનોમાં મશીનરી અપગ્રેડ થઈ છે અને 16 કરોડના ખર્ચે પાવર કટની સમસ્યાને પહોંચી વળવા ડી.જી.સેટ લગાવવામાં આવી રહ્યા છે. ટ્રીટેડ વેસ્ટ વોટરના ઉપયોગ માટે રાજીવનગર STPમાંથી IOCLને 20 MLD પાણી પૂરો પાડવામાં આવે છે, જે જાન્યુઆરી 2026થી 40 MLD થશે. છાણી STPમાંથી GSFC, GACL અને GIPCLને 50 MLD પાણી આપવાનું આયોજન છે, જ્યારે શેરખી STPમાંથી નંદેસરી GIDCને 25 MLD પાણી આપવામાં આવશે. આ યોજનાઓ વડોદરાને વોટર પ્લસ શહેર બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.


પાંચ વર્ષમાં માત્ર 20 કિમી, હવે એક વર્ષમાં 148 કિમી ડ્રેનેજ નેટવર્કનું સપનું ?

સ્થાયી સમિતિ ચેરમેન ડૉ શીતલ મિસ્ત્રીએ જણાવ્યા મુજબ, વર્ષ 2020માં વડોદરાનું ડ્રેનેજ નેટવર્ક 1548 કિમી હતું, જે હાલ વધીને 1568 કિમી થયું છે. એટલે પાંચ વર્ષમાં વડોદરા શહેરમાં માત્ર 20 કિમી જ નવું ડ્રેનેજ નેટવર્ક ઊભું થઈ શક્યું. પાંચ વર્ષમાં માત્ર 20 કિમીનું ડ્રેનેજ નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે ને હવે એક વર્ષમાં 148 કિમી ડ્રેનેજ નેટવર્ક ઊભું કરવાનો દાવો ચેરમેન ડૉ,શીતલ મિસ્ત્રી દ્વારા કરવામાં આવ્યો છે.

Most Popular

To Top