નવાનિયમનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી: ફતેગંજ ચાર રસ્તાથી નવા જાહેરનામાનો આજથી અમલ, ડીસીપી સહિતની ટીમ મેદાનમાં ઉતરી

વડોદરા શહેરમાં દિન પ્રતિદિન માર્ગ અકસ્માતોની સંખ્યા વધી રહી હોય તેને ધ્યાનમાં રાખી તથા તેને નિયંત્રીત કરવાના હેતુથી વડોદરા શહેર પોલીસે ક્રોસ રોડ, ત્રણ રસ્તા અને ચાર રસ્તા પર વાહન પાર્ક કરવાના નિયમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ ક્રોસ રોડથી 100 મીટરની ત્રિજ્યામાં વાહન પાર્ક કરવાની મનાઈ હતી. તેના બદલે હવે શહેર પોલીસ કમિશનર દ્વારા નવા જાહેરનામા પ્રમાણે આ મર્યાદા ઘટાડીને માત્ર 30 મીટર કરી દેવામાં આવી છે. ત્યારે આ 30 મીટરની ત્રિજ્યમાં પાર્ક કરેલા વાહન ચાલકો સામે નવા નિયમનો ભંગ કરનાર વાહનચાલકો સામે કાનૂની કાર્યવાહી કરાશે.
શહેર પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલા આ જાહેરનામાનો પ્રારંભ આજે 6 ઓક્ટોબરના રોજથી ફતેગંજ ચાર રસ્તાથી કરાયો હતો. ટ્રાફિક ડીસીપી ઋષિકેશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, શહેરમાં રોજબરોજ થતા નાના-મોટા અકસ્માતોના પ્રમાણને અંકુશમાં લેવા નિયમમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ 100 મીટરના વિસ્તારમાં પાર્કિંગની મનાઈ હોવા છતાં અકસ્માતોની સંખ્યામાં ઘટાડો ન થતા પોલીસ તંત્રે નિયમોમાં સુધારો કરી ક્રોસ રોડ, ત્રણ રસ્તા અને ચાર રસ્તાના કેન્દ્ર બિંદુથી 30 મીટરના એરિયામાં કોઈપણ પ્રકારનું વાહન પાર્કિંગ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામા આવ્યો છે.
નવા નિયમના અમલ માટે શહેર ટ્રાફિક ડીસીપી, એસીપી સહિત પોલીસ ટીમનો મોટો કાફલો ફતેગંજ ચાર રસ્તા વિસ્તારમાં ઉમટી પડ્યો હતો. આ વિસ્તારની નજીકમાં યુનિવર્સિટી આવેલી હોવાથી તેમજ ખાણી-પીણીની લારીઓ અને દુકાનોના કારણે મોડી રાત સુધી યુવાઓ સહિત લોકો આડેધડ પાર્કિંગ કરતા હોય છે. નજીકના પેટ્રોલ પંપ આસપાસ પણ વાહનચાલકો અનિયમિત પાર્કિંગ કરીને બેસતા હોય છે. પોલીસ ટીમે આ વિસ્તારમાં હાજર સ્થાનિક દુકાનદારો અને ખાણી-પીણીના લારી-ગલ્લા ધારકોને 30 મીટરના પ્રતિબંધિત એરિયામાં પોતાની લારીઓ કે ગલ્લા ન રાખે સમજ કરાઈ છે. ઉપરાંત, વાહનચાલકોને પણ નવા નિયમ વિશે સૂચન અને સમજ આપીને યોગ્ય જગ્યાએ વાહનો પાર્ક કરવા જણાવ્યું હતું. ડીસીપી ઋષિકેશ ઉપાધ્યાયે સ્પષ્ટ જણાવ્યું છે કે, આ નિર્ણયને કારણે શહેરીજનોને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળશે અને અકસ્માતોની સંખ્યામાં ઘટાડો થશે તેવી આશા સેવાઈ રહી છે.