Gujarat

ગુજરાતના વેરાવળમાં 80 વર્ષ જૂની ઇમારત ધરાશાયી, 3ના મોત, 2ને જીવતા બચાવ્યા

ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરના ખારવાવાડ વિસ્તારમાં ગત રોજ રવિવારે મોડી રાત્રે 80 વર્ષ જૂની ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં માતા-પુત્રી અને વધુ એક વ્યક્તિના મોત થયા અને બે લોકોને જીવતા બહાર કાઢવામાં આવ્યા હતા.

મળતી માહિતી મુજબ વેરાવળ શહેરના ખારવાવાડ વિસ્તારમાં આવેલી એક જર્જરિત ત્રણ માળની રહેણાંક ઈમારત અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. આ ઘટના મોડી રાત્રે લગભગ 1.30 વાગ્યાની આસપાસ બની હતી. આ ઘટનાના કારણે આખા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. કાટમાળ હેઠળ દબાઈ ગયેલા ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે બે લોકોને જીવતા બચાવી લેવાયા હતા.

મૃતકોમાં દેવકીબેન સૂયાની(માતા), જશોદાબેન સૂયાની(પુત્રી) અને મકાન નીચે ઉભેલા બાઈકસવાર દિનેશ જુંગી (ઉંમર 34)નો સમાવેશ થાય છે. ઘટના સમયે દિનેશ જુંગી પોતાની બાઈક લઈને મકાન નીચે ઉભા હતા. ત્યારે અચાનક આખી ઈમારત ધરાશાયી થઈ ગઈ હતી.

ઘટના બાદ તરત જ ફાયર ફાઇટર, પોલીસ, નગરપાલિકા ટીમ તેમજ ખારવા સમાજના આગેવાનો અને યુવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તમામે મળીને બચાવ કામગીરી શરૂ કરી હતી. જે વહેલી સવારે 4:30 વાગ્યા સુધી ચાલી હતી. બચાવ દરમિયાન શંકર સૂયાની અને બીજી એક મહિલાને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ ઈમારત લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતી અને તેના ધરાશાયી થવાનો ભય સતત વ્યક્ત થતો હતો. છતાંય સમયસર કાર્યવાહી ન થતાં આ દુર્ઘટના બની.

આ ઘટના બાદ સમગ્ર ખારવા સમાજમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. પોલીસ અને નગરપાલિકા દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને વિસ્તારના અન્ય જૂના મકાનોની પણ તપાસ હાથ ધરાશે તેવી શક્યતા છે.

Most Popular

To Top