Business

100 વર્ષ પહેલા આરએસએસનો મંત્ર હતો ‘રાષ્ટ્ર પ્રથમ’ તે આજે પણ છે

અનેક પડકારોનો સામનો કરીને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ આજે 100 વર્ષનો થઇ ગયો છે. સ્થાપનાકાળથી આજ સુધી તેણે કરેલા કાર્ય પરથી એટલું તો સ્પષ્ટ થાય છે કે, દેશના આવા સંગઠનની ચોક્કસ જ જરૂર છે. ત્યારે આરએસએસ શું છે તે જાણવું ખૂબ જ જરૂરી છે. તેનો ઇતિહાસ પણ ખૂબ જ રસપ્રદ છે. સામાન્ય રીતે આરએસએસ કે સંઘના નામથી ઓળખાતો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એક હિંદુ રાષ્ટ્રવાદી સંગઠન છે, જેની સ્થાપના ઈ.સ. 1925માં મહારાષ્ટ્રના નાગપુરમાં ડૉ. કેશવ બલિરામ હેડગેવારે કરી હતી. એવું મનાય છે કે, હેડગેવાર હિંદુ રાષ્ટ્રવાદી વિચારક વિનાયક દામોદર સાવરકરના વિચારોથી પ્રભાવિત હતા.થોડો સમય કૉંગ્રેસ સાથે જોડાયેલા રહ્યા પછી હેડગેવારે વૈચારિક મતભેદોના કારણે કૉંગ્રેસ પાર્ટી છોડી દીધી અને સંઘની સ્થાપના કરી.

સંઘને દુનિયાનું સૌથી મોટુ સંગઠન માનવામાં આવે છે તેવી પણ એક વાત છે. હાલમાં આરએસએસ શતાબ્દિ વર્ષ ઉજવી રહ્યું છે ત્યારે એક વાત ચોક્કસ છે કે જે હેતુથી આ સંગઠનનો પાયો નંખાયો તે સ્થાપના સમયના મંત્ર ‘રાષ્ટ્ર પ્રથમ’ને સ્વયં સેવકો આજે પણ વળગી રહ્યાં છે. આરએસએસ અનુસાર, તે એક સાંસ્કૃતિક સંગઠન છે, જેનો ઉદ્દેશ હિંદુ સંસ્કૃતિ, હિંદુ એકતા અને આત્મનિર્ભરતાનાં મૂલ્યોને પ્રોત્સાહિત કરવાનો છે. સંઘનું કહેવું છે કે, તે રાષ્ટ્રસેવા તેમ જ ભારતીય પરંપરાઓ અને વારસાનું જતન જેવા વિષયો પર ભાર આપે છે.

બિનરાજકીય હોવાના દાવા છતાં સંઘના અનેક લોકો ચૂંટણીલક્ષી રાજકારણમાં સક્રિય રહ્યા છે. પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીથી લઈને હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સુધી ઘણાં બધાં નામ ગણાવી શકાય તેમ છે. સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે પોતાના પુસ્તક ‘આરએસએસઃ 21મી સદી કે લિયે રોડમૅપ’ (પેજ 9)માં કહ્યું છે કે, સંઘ સમાજ પર શાસન કરનારી એક જુદી શક્તિ બનવા નથી માંગતો અને તેનો મુખ્ય હેતુ સમાજને મજબૂત બનાવવાનો છે. શાખા સંઘનો આધારભૂત સંગઠનાત્મક એકમ છે, જે પાયાના સ્તરે તેની હાજરી નોંધાવે છે.

શાખા એ જગ્યા છે, જ્યાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્યોને વૈચારિક અને શારીરિક રીતે કેળવવામાં આવે છે. મોટા ભાગની શાખાઓ દરરોજ સવારે અથવા ક્યારેક સાંજે ચલાવવામાં આવે છે. કેટલાક વિસ્તારોમાં આ શાખાઓ અઠવાડિયાના કેટલાક દિવસ ચાલે છે. આરએસએસ અનુસાર, ભારતમાં 83,000થી વધારે શાખાઓ છે. શાખામાં શારીરિક વ્યાયામ અને રમતગમતની સાથોસાથ ટીમવર્ક અને નેતૃત્વ કૌશલ્ય સુધારવા માટે ડિઝાઇન કરવામાં આવેલી પ્રવૃત્તિઓ થાય છે અને ‘માર્ચિંગ’ અને ‘સ્વ-બચાવ’ની તકનીક પણ શિખવાડવામાં આવે છે. શાખામાં જ સંઘના સભ્યોને વૈચારિક શિક્ષણ આપવામાં આવે છે.

શાખામાં જ તેમને હિંદુત્વ, હિંદુ રાષ્ટ્રવાદ અને આરએસએસના અન્ય મૂળભૂત સિદ્ધાંતો વિશે શીખવવામાં આવે છે. આરએસએસ આખા દેશમાં પોતાની હાજરી વધારવા અને તેને ટકાવી રાખવા શાખાઓ પર જ આધાર રાખે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં સર્વોચ્ચ પદ સરસંઘચાલકનું છે. સરસંઘચાલક પછી સૌથી મહત્ત્વનું પદ સરકાર્યવાહનું છે, જે સંઘના મુખ્ય કાર્યકારી અધિકારી હોય છે અને તેમની પાસે સંઘના રોજિંદા વિષયો અંગેના નિર્ણયો લેવાની શક્તિ હોય છે.

અત્યારે દત્તાત્રેય હોસબલે સંઘના સરકાર્યવાહ છે.ઇતિહાસ પર દૃષ્ટિ કરીએ તો, સંઘમાં ડૉ. હેડગેવાર પછી જે પાંચ સરસંઘચાલક બન્યા, તેમાંથી ચાર, સરસંઘચાલક બનતાં પહેલાં સરકાર્યવાહ હતા અને એક સહ-સરકાર્યવાહ. સહ-સરકાર્યવાહની ભૂમિકા સંયુક્ત સચિવની હોય છે. એક સમયે સંઘમાં ઘણા સહ-સરકાર્યવાહ હોઈ શકે છે. સંઘમાં અત્યાર સુધીમાં છ સરસંઘચાલક થયા છે. સંઘના સંસ્થાપક ડૉ. કેશવ બલિરામ હેડગેવાર સંઘના પ્રથમ સરસંઘચાલક હતા. તેઓ 1925થી 1990 સુધી આ પદ પર રહ્યા. હેડગેવારના નિધન પછી ઈ.સ. 1940માં માધવ સદાશિવરાવ ગોલવલકર સંઘના બીજા સરસંઘચાલક બન્યા અને 1973 સુધી આ પદ પર રહ્યા.

ઈ.સ. 1973માં ગોલવલકરના નિધન પછી બાલાસાહેબ દેવરસ સરસંઘચાલક બન્યા અને 1994 સુધી આ પદ પર રહ્યા. ઈ.સ. 1994માં ખરાબ સ્વાસ્થ્યના કારણે દેવરસે રાજેન્દ્ર સિંહ (રજ્જુભૈયા)ને પોતાના ઉત્તરાધિકારી નીમ્યા. રાજેન્દ્ર સિંહ ઈ.સ. 2000 સુધી સંઘના સરસંઘચાલક રહ્યા. ઈ.સ. 2000માં કેએસ સુદર્શન સંઘના નવા સરસંઘચાલક બન્યા અને 2009 સુધી આ પદ પર રહ્યા. ઈ.સ. 2009માં સુદર્શને મોહન ભાગવતને પોતાના ઉત્તરાધિકારી તરીકે પસંદ કર્યા. ભાગવત સંઘના છઠ્ઠા સરસંઘચાલક છે.

આરએસએસ પર પહેલો પ્રતિબંધ ઈ.સ. 1948માં મહાત્મા ગાંધીની હત્યા પછી મૂકવામાં આવ્યો હતો. 30 જાન્યુઆરી 1948એ નાથુરામ ગોડસેએ મહાત્મા ગાંધીની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. તત્કાલીન સરકારને શંકા હતી કે, મહાત્મા ગાંધીની હત્યામાં સંઘની ભૂમિકા હતી અને ગોડસે આરએસએસના સભ્ય હતા. આરએસએસને સાંપ્રદાયિક વિભાજનને પ્રોત્સાહિત કરનારું સંગઠન માનીને સરકારે ફેબ્રુઆરી 1948માં તેના પર પ્રતિબંધ મૂકી દીધો અને સંઘના સરસંઘચાલક ગોલવલકરની ધરપકડ કરી. સરકારનું કહેવું હતું કે, આરએસએસએ લિખિત અને પ્રકાશિત બંધારણ મુજબ કામ કરવું જોઈએ.

Most Popular

To Top