જયપુરની સવાઈ માનસિંહ (SMS) હોસ્પિટલમાં ગત રોજ તા. 6 ઓક્ટોબર રવિવાર રાત્રે ભીષણ આગ લાગતા મોટી દુર્ઘટના બની હતી. ન્યુરો ICUમાં લાગેલી આગમાં 7 દર્દીઓના દુઃખદ મોત થયા છે. જ્યારે 4 દર્દીઓ હાલ ગંભીર હાલતમાં છે.
રાજસ્થાનની રાજધાની જયપુરની સૌથી મોટી હોસ્પિટલ સવાઈ માનસિંહ (SMS) હોસ્પિટલમાં રવિવાર રાત્રે ભયંકર આગ લાગી હતી. માહિતી મુજબ રાત્રે લગભગ 11:20 વાગ્યે ન્યુરો ICUના સ્ટોરરૂમમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી.
સ્ટોરમાં રાખેલા કાગળો, બ્લડ સેમ્પલ ટ્યુબ અને ICUના સાધનોમાં આગ ફાટી નીકળતાં થોડા જ મિનિટોમાં આખો વોર્ડ ધુમાડાથી ઘેરાઈ ગયો હતો.
આગ લાગતાની સાથે જ હોસ્પિટલ સ્ટાફે દર્દીઓને બહાર ખસેડવાની કામગીરી શરૂ કરી હતી. પરંતુ ધુમાડાના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી પડી હતી. હોસ્પિટલમાં કુલ 24 દર્દીઓ દાખલ હતા. જેમાંથી 11ની હાલત બગડી ગઈ હતી. દુર્ભાગ્યવશ 7 દર્દીઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે 4 દર્દીઓ હાલ ગંભીર હાલતમાં છે.
મૃતકોના નામ:
- પિન્ટુ (સિકર)
- દિલીપ (આંધી)
- શ્રીનાથ (ભરતપુર)
- રુક્મિણી (ભરતપુર)
- ખુશ્મા (ભરતપુર)
- બહાદુર (સાંગાનેર)
પરિવારજનોના આક્ષેપો
મૃતકોના પરિવારજનોનો આક્ષેપ છે કે હોસ્પિટલમાં પૂરતી સુરક્ષા વ્યવસ્થા નહોતી. ધુમાડો ફેલાતાની સાથે જ વોર્ડ બોય અને અન્ય સ્ટાફ સભ્યો ગાયબ થઈ ગયા હતા. પરિવારજનોનું કહેવું છે કે તેમણે પોતે જ પોતાના સગાઓને બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ મદદ ન મળતાં છ દર્દીઓના મોત થયા હતા.
સરકારની કાર્યવાહી
ઘટનાની જાણ થતાં જ મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને આરોગ્ય મંત્રી જવાહર સિંહ બેધમ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાની આર્થિક સહાય અને ઘાયલ દર્દીઓને મફત સારવાર આપવાની જાહેરાત કરી હતી. તેમણે હોસ્પિટલ વહીવટીતંત્રને કડક તપાસના આદેશ આપ્યા અને જણાવ્યું કે આવી બેદરકારી અસ્વીકાર્ય છે. ગુનેગારોને બક્ષવામાં આવશે નહીં.
આ ઘટના બાદ હોસ્પિટલમાં સુરક્ષા વ્યવસ્થાઓ અંગે ગંભીર પ્રશ્નો ઉઠ્યા છે. સવાઈ માનસિંહ હોસ્પિટલ સમગ્ર રાજસ્થાનની સૌથી મોટી હોસ્પિટલ છે, જ્યાં રોજે હજારો દર્દીઓ સારવાર માટે આવે છે. આ આગની ઘટના પછી લોકોમાં ભય અને આક્રોશ જોવા મળ્યો છે.