વડોદરા: આગામી દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને નાગરિકોના સ્વાસ્થ્ય અને સુરક્ષા જળવાઈ રહે તે હેતુસર પાલિકાના આરોગ્ય વિભાગે ખાદ્ય પદાર્થોની તપાસ શરૂ કરી છે. રાજ્ય સરકારની સૂચના મુજબ શહેરના વિવિધ વિસ્તારોમાં દૂધ અને દૂધની બનાવટની વસ્તુઓ ઉપરાંત ઘી અને તેની બનાવટ બાબતે ધનિષ્ટ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
માહિતી મુજબ, ગત શનિવારે પાલિકાના ફૂડ વિભાગની ચાર ટીમો દ્વારા ઘી તથા ઘીની બનાવટના સેમ્પલ લેવામાં આવ્યા હતા. કુલ આઠ ફૂડ ઈન્સ્પેક્ટરો અલગ અલગ વિસ્તારમાં જઈ તપાસણી કરી હતી. આજે દૂધ અને દૂધથી બનેલા ખાદ્ય પદાર્થો, મીઠાઈ, ફરસાણની દુકાનો તથા હોટલોમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં અલકાપુરી એક્સપ્રેસ હોટલમાં પણ પનીરના નમૂના લેવાયા હતા તથા કિચનનું પણ ચેકીંગ કરવામાં આવ્યું હતું.
ફૂડ ઈન્સ્પેક્ટરોએ અલગ અલગ જગ્યાએથી ખાદ્ય પદાર્થોના નમૂના લઈને તેને ફતેગંજ સ્થિત સરકારી લેબોરેટરીમાં મોકલી આપ્યા છે, જ્યાં તેનું પૃથક્કરણ કરીને ગુણવત્તા તપાસાશે. પાલિકા અધિકારીઓના જણાવ્યા મુજબ, દિવાળીના દિવસોમાં નાગરિકોને ભેળસેળમુક્ત ખાદ્ય વસ્તુઓ મળે તે માટે સતત ચેકિંગ ચાલુ રહેશે.