પત્ની ને પિયર માંથી સાસરી માં પરત લઈ આવતા ઘટના બની
મગરોનું ઘર ગણાતી ઢાઢર વિશ્વામિત્રી નદીમાં બે માસૂમ બાળકો લાપતા બન્યા
પાદરા: પાદરા તાલુકાના કોટના ગામે આજે એક હૃદયવિદારક અકસ્માત બન્યો હતો. કરજણના વિરજઈથી કોટના ગામને જોડતા કોઝવે પરથી પસાર થતી બાઈક અચાનક ઢાઢર–વિશ્વામિત્રી નદીમાં વહી જતાં એક જ પરિવાર પર આફત તૂટી પડી હતી.

માહિતી મુજબ, કોટના ગામના રહેવાસી હિતેશભાઈ જયંતિભાઈ પઢીયાર ઉ. આ. 32 વર્ષ પોતાની પત્ની વૈશાલીબેન ઉ.આ. 29 વર્ષ ને વાઘોડિયા તાલુકાના આલ્વા ગામથી પોતાના બે સંતાન દેવેન્દ્ર (ઉંમર આ.5 વર્ષ) અને સોહમ (ઉંમર 3 વર્ષ) સાથે બાઈક પર કોટના પરત ફરતા હતા. વરસાદના કારણે કોઝવે પર પાણી ભરાયા હતા, જેના કારણે બાઈક ફિસલતાં પરિવાર આખો નદીના પ્રવાહમાં તણાઈ ગયો હતો.

ઘટનાની જાણ થતાં જ કોટના ગામના માજી સરપંચ રાજુભાઈ પઢીયાર સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં સ્થળ પર પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. બાદમાં વડુ પોલીસ અને કરજણ ફાયર બ્રિગેડની જાણ કરતા ટીમો પણ પહોંચી ગઈ હતી અને નદીમાં બાળકોની શોધખોળ શરૂ કરી છે.

સ્થાનિક ગ્રામજનોએ તાત્કાલિક દોડી જઈ હિતેશભાઈ અને તેમની પત્ની વૈશાલીબેનને બહાર કાઢ્યા, પરંતુ તેમના બે નાનકડા સંતાન દેવેન્દ્ર અને સોહમનું હાલ સુધી કોઈ અત્તાપત્તો મળ્યો નથી.
હિતેશભાઈ ખાનગી કંપનીમાં નોકરી કરી પોતાના પરિવારનો ગુજરાન ચલાવે છે. એક સામાન્ય પરિવારે જીવતર માટે સંઘર્ષ કરતા વચ્ચે આ દુર્ઘટનાએ આખા કોટના ગામ સહિત પાદરા વિસ્તારમાં ગમગીનીનું મોજું ફેલાવી દીધું છે.
સ્થાનિકોએ પ્રશાસનને અપીલ કરી છે કે વરસાદી મોસમ દરમિયાન આવા કોઝવે પર ચેતવણી બોર્ડ અને સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવે, જેથી આવી દુર્ઘટનાઓ ફરી ન બને.