વડોદરા પોલીસે સોશિયલ મીડિયા ધૂમ મચાવનાર તલવારબાજોનું ભૂત ઉતાર્યું
વારસિયા વિસ્તારમાં તલવાર સાથે રીલ બનાવી વાઇરલ કરનારા બે યુવક ઝડપાયા, કાન પકડી માફી મગાવી હથિયાર કબજે કરાયા
વડોદરા : સોશિયલ મીડિયા પર ફેમસ થવાની ધૂન અને લોકપ્રિય થવાની હોડમાં કેટલાક યુવાનો કાયદા અને વ્યવસ્થાની સીમા ભૂલી જાય છે. આવો જ એક બનાવ શહેરના વારસિયા વિસ્તારમાં સામે આવ્યો હતો, જ્યાં બે યુવકોએ ખુલ્લેઆમ તલવાર સાથે રીલ બનાવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી દીધી હતી. વીડિયો વાઇરલ થતાં જ પોલીસે તરત જ ઝડપથી કાર્યવાહી કરી હતી અને આ બંને શખસોને ગણતરીના કલાકોમાં જ ઝડપીને કડક પાઠ ભણાવ્યો હતો.

વારસિયા વિસ્તારમાં આવેલા વીમા દવાખાના પાછળની ખારી તલાવડી ભૂંડવાળા વિસ્તારમાં રહેતા જસપાલસીંગ માયાસીંગ દુધાણી (ઉંમર 19) અને સુરજસીંગ માયાસીંગ દુધાણી (ઉંમર 20) નામના બે યુવકોએ લોખંડની તલવાર લઈને રીલ બનાવી હતી. વીડિયોમાં બંને યુવકો જાહેરમાં તલવાર લહેરાવતા અને ચેલેન્જ ફેંકતા જોવા મળ્યા હતા. થોડા જ કલાકોમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો હતો અને શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

આ વીડિયો સામે આવતા પોલીસ કમિશનરના હથિયારબંધી જાહેરનામાનો ભંગ થતો હોઈ કુંભારવાડા પોલીસ મથક તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. જાહેરમાં હથિયાર લહેરાવવાનું આ કૃત્ય ગંભીર ગુનો ગણાતા પોલીસે તપાસ શરૂ કરી આરોપી યુવાનોને શોધવા ચક્ર ગતિમાન કર્યા હતા.

પીઆઇ એ.જે. પાંડવના માર્ગદર્શન હેઠળ કુંભારવાડા પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલિસ ટીમે વીડિયોની મદદથી બંને યુવકોની ઓળખ કરી ગણતરીના કલાકોમાં જ તેમને તેમના જ વિસ્તારેથી ઝડપ્યા હતા. ઝડપ્યા બાદ બંને યુવકોને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું. જાહેરમાં હથિયાર સાથે રીલ બનાવી સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવાના કૃત્ય માટે પોલીસે તેમની પાસે કાન પકડી જાહેર માફી પણ મગાવી હતી.
સાથે જ પોલીસે વીડિયોમાં ઉપયોગમાં લેવાયેલી લોખંડની તલવાર પણ કબજે કરી હતી. હથિયાર ધારા હેઠળ બંને સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે.
કુંભારવાડા પોલીસ મથકના પીઆઇ એ.જે. પાંડવે જણાવ્યું હતું કે, “વિડિયો સામે આવતાં જ અમે તરત કાર્યવાહી કરી હતી. હથિયાર સાથે રીલ બનાવી કાયદાનો ભંગ કરનાર બંને ઈસમોને ઝડપી પાડીને કડક હાથે કાર્યવાહી કરવામાં આવી છે. સોશિયલ મીડિયા પર ફેમ થવાના નામે કાયદાનું ઉલ્લંઘન કરનારા સામે પોલીસની આ કાર્યવાહી એક દાખલો બની રહેશે.”
શહેર પોલીસની આ ઝડપભરી કાર્યવાહીથી સોશિયલ મીડિયા પર લોકપ્રિય થવાની ખોટી દિશામાં દોડતા કેટલાક યુવાનોને સ્પષ્ટ સંદેશો મળ્યો છે કે કાયદા સામે શોખ બતાવવાનું પરિણામ કેટલું ગંભીર થઈ શકે છે.