મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લામાં ભાજપ સરકારે સહાયના નામે પીડિત પરિવારો સાથે મજાક કરી હોવાનો મામલો સામે આવ્યો છે. દુર્ગા મૂર્તિ વિસર્જન દરમિયાન બનેલી દુર્ઘટનાના પીડિતોને 6 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત બાદ માત્ર હવે રૂ. 5,000ના ચેક આપવામાં આવ્યા હતા. જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ છે.
તા.2 ઓક્ટોબરના રોજ ખંડવાના પંધાના નજીક દુર્ગા મૂર્તિના વિસર્જન દરમિયાન ટ્રેક્ટર-ટ્રોલી તળાવમાં પલટી જતાં 11 લોકોના મોત થયા હતા. મૃતકોમાં મોટાભાગે નાની બાળકીઓ અને યુવાનોનો સમાવેશ થયો હતો.
આ ઘટના બાદ તરત જ મુખ્યમંત્રી મોહન યાદવે મૃતકોના પરિવારજનોને 4-4 લાખની આર્થિક સહાય આપવાનો આદેશ આપ્યો હતો. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને મૃતકોના પરિવારજનોને 2-2 લાખ અને ઘાયલોને 50-50 હજારની નાણાકીય સહાયની જાહેરાત કરી હતી.
જોકે સહાયના નામે આપવામાં આવેલા “બંધ કવર” ખોલ્યા બાદ પરિવારજનો હેરાન રહી ગયા હતા. કવરની અંદર ન તો ચેક હતા અને ના તો જાહેર કરાયેલી રકમનો કોઈ ઉલ્લેખ હતો. તેમાં ફક્ત SDM પંધાનાનો રકમ સ્વીકૃતિ પત્ર હતો.
બાદમાં રાજ્યના મંત્રી વિજય શાહે ખંડવા હોસ્પિટલમાં ઘાયલોને મળવા જઈને કવર આપ્યા અને ફોટો પાડાવ્યો પરંતુ જ્યારે ઘાયલોને કવર ખોલ્યા ત્યારે તેમાં માત્ર રૂ. 5,000ના ચેક હતા.
સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ આ ચેક ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની ખંડવા શાખા તરફથી “તાત્કાલિક સહાય” તરીકે આપવામાં આવ્યા હતા. પરંતુ આ રકમ ન તો જાહેર કરાયેલી સહાયનો ભાગ હતી ના તો તે પીડિત પરિવારોના નુકસાનની સરખામણીમાં પૂરતી ગણાય છે. જોકે મળતા સૂત્રો મુજબ 6 ઘાયલોમાંથી ફક્ત 4 લોકોને જ ચેક મળ્યા છે.
આ ઘટનાથી પીડિત પરિવારોમાં ગુસ્સો ફેલાયો છે. લોકો સરકાર પર વાયદાખિલાફી અને રાજકીય પ્રચાર માટે દુઃખદ ઘટનાનો ઉપયોગ કરવાનો આરોપ લગાવી રહ્યા છે. હાલમાં સ્થાનિક પ્રશાસને જણાવ્યું છે કે મોટી રકમ સીધી લાભાર્થીઓના ખાતામાં જમા થશે પરંતુ લોકો હવે સરકારની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવી રહ્યા છે.
દુર્ઘટનામાં જાન ગુમાવનારા પરિવારો માટે થયેલો આ “સહાયનો પ્રહસન” સોશિયલ મીડિયામાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. તેમજ લોકો હવે સરકાર સામે સવાલ ઉઠાવી રહ્યા છે.