સુરતના ઉધના ખરવરનગર વિસ્તારમાં એક ભયાનક અકસ્માત બન્યો હતો. જ્યારે દારૂના નશામાં ચૂર ટ્રેલરચાલકે વાહન પરનો કાબૂ ગુમાવી દીધો અને રોકડિયા હનુમાન મંદિરની દીવાલ તોડી અંદર ઘૂસી ગયો. આ અકસ્માત એટલો જોરદાર હતો કે મંદિરના આગળના ભાગને ભારે નુકસાન થયું. જોકે સદભાગ્યે હનુમાનજીની મુખ્ય મૂર્તિ અને મેઈન મંદિર સુરક્ષિત રહ્યા છે.
પ્રાથમિક માહિતી મુજબ આ ઘટના રવિવારે સવારે બની હતી. ટ્રેલરચાલક ખરવરનગર વિસ્તારમાં રિક્ષાને ટક્કર માર્યા બાદ સીધું જ રોકડિયા હનુમાન મંદિરની દીવાલ સાથે અથડાયો. આ અથડામણથી મંદિરની બહારની દિવાલ અને આગળનો ભાગ ખંડિત થઈ ગયા છે. સ્થાનિક લોકો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા અને સ્થિતિ કાબૂમાં લેવા પ્રયાસ કર્યો હતો.
સ્થાનિકોના જણાવ્યા મુજબ ટ્રેલરચાલક અને તેમાં સવાર બે અન્ય વ્યક્તિઓ દારૂના નશામાં હતા. અકસ્માત બાદ ત્રણેય શખ્સોને લોકોએ જ પકડીને પોલીસને સોંપી દીધા. પોલીસે તરત જ કાર્યવાહી હાથ ધરી અને ત્રણેયને કસ્ટડીમાં લીધા છે.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ચાલક નશાની હાલતમાં વાહન ચલાવી રહ્યો હતો. જેના કારણે આ ગંભીર અકસ્માત બન્યો હતો.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક કોર્પોરેટરો, આગેવાનો અને પોલીસ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. પોલીસે સમગ્ર સ્થળનું નિરીક્ષણ કર્યું અને ટ્રેલરને કબજે લીધું. આ ઉપરાંત ટ્રેલરમાંથી દારૂની બોટલો પણ મળી આવી હોવાની પ્રાથમિક માહિતી છે.
હાલમાં પોલીસે ત્રણેય શખ્સો સામે દારૂ પીધેલી હાલતમાં ડ્રાઇવિંગ, જાહેર સંપત્તિને નુકસાન અને બેદરકારીપૂર્વક વાહન ચલાવવાના ગુનાઓ હેઠળ ફરિયાદ નોંધી છે. પોલીસે વધુ તપાસ શરૂ કરી છે કે ટ્રેલર કયા માર્ગે આવી રહ્યું હતું અને અકસ્માત સમયે તેની સ્પીડ કેટલી હતી.