નગર પાલિકાએ સીલ માર્યા બાદ પણ ધમધમતી હાટડીઓના વિરોધમાં પ્રાંત અધિકારીને આવેદન
પાલિકાએ મારેલા સીલ પાલિકા પ્રમુખે પૈસા લઈ ખોલવા દીધાનો વેપારીનો આક્ષેપ..

કરજણ: વડોદરા જિલ્લાના કરજણ નગર હિન્દૂ સમાજ દ્વારા નગરના જાહેર રોડો પર ધમધમતી મટન સોપોની હાટડીઓ બંધ કરાવવા બાબતે પ્રાંત અધિકારીને આવેદન પાઠવાયું છે.
સમાજના આગેવાનો અને નાગરિકોએ પોતાના આવેદનમાં જણાવ્યું છે કે નગર પાલિકા દ્વારા અગાઉ જાહેર રોડ પર આવેલી મટન સોપોની હાટડીઓ સીલ મારવામાં આવી હતી, છતાં આજે પણ અનેક સ્થાનો પર આ હાટડીઓ ખુલ્લેઆમ ચાલુ છે. આવા દૃશ્યો ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડતા હોવા થી નાગરિકોમાં ભારે નારાજગી ફેલાઈ છે.

આવેદનમાં જણાવાયું કે સાંજ બાદ શહેરના મુખ્ય માર્ગો ઉપર વેચાણ કરતાં મટન સોપો ચલાવનારા વેપારીઓ સામે પગલા લેવા પાલિકા તથા પોલીસની નિષ્ક્રિયતા કારણે હાટડીઓ ફરીથી ધમધમતી થઈ છે. ધાર્મિક ભાવનાઓ દુભાતા હોવા ઉપરાંત જાહેર માર્ગ પર આ પ્રકારની વ્યવસાયિક પ્રવૃત્તિઓથી ટ્રાફિકમાં વ્યાધાન ઊભું થાય છે અને જાહેર સ્વચ્છતા ઉપર પણ અસર પડે છે.
હિન્દૂ સમાજના પ્રતિનિધિ મંડળે પ્રાંત અધિકારીને ચીમકી ઉચ્ચારતાં સ્પષ્ટ કહ્યું કે જો વહેલી તકે આ હાટડીઓ બંધ કરાવવામાં નહીં આવે તો નાગરિકો જાતે જ રોડ પર ઉતરી હાટડીઓ બંધ કરાવશે. નાગરિકોએ સ્થાનિક પ્રશાસન પાસેથી તાત્કાલિક કાર્યવાહી કરી જાહેર માર્ગો પરના મટન સોપોની હાટડીઓ દૂર કરવાની માંગ કરી છે.