છેલ્લા બે વર્ષથી તેની ભારે ચર્ચા ચાલતી હતી તેવા ગુજરાત ભાજપના પ્રમુખ તરીકે આખરે ભાજપે મંત્રી જગદીશ પંચાલ એટલે કે વિશ્વકર્મા પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. આમ તો જે તે રાજકીય પક્ષમાં રાજ્યના પ્રમુખનો હોદ્દો એટલો મોટો મહત્વનો પણ નથી હોતો. ભાજપમાં ભૂતકાળમાં અનેક આગેવાનો પ્રમુખ બન્યા પરંતુ તેમાંથી બે-ત્રણ પ્રમુખ જ એવા પાવરફુલ હતા કે જેણે પોતાનું વર્ચસ્વ સ્થાપ્યું હતું.
કેશુભાઈ પટેલ કહો કે શંકરસિંહ વાઘેલા કે પછી કાશીરામ રાણા, આ ત્રણેય નેતાઓ એવા હતા કે જેની આખા રાજ્યમાં ઓળખ હતી. શંકરસિંહ વાઘેલાના સમયમાં તો ભાજપે પ્રથમ વખત સત્તાનું મોઢું જોયું હતું. ગુજરાતમાં જનતાદળના સાથમાં ભાજપે પ્રથમ વખત રાજ્યમાં સત્તાનો સ્વાદ ચાખ્યો હતો. શંકરસિંહ વાઘેલા સતત પાંચ વર્ષ સુધી ભાજપના પ્રમુખ રહ્યા હતા. સતત પાંચ વર્ષ સુધી ભાજપના પ્રમુખ રહેવાનું સૌભાગ્ય બાદમાં એકમાત્ર સીઆર પાટીલને જ મળ્યું છે. જગદીશ વિશ્વકર્મા આમ તો અમિત શાહની નજીકના અને તેમના જુથના મનાય છે. જગદીશ વિશ્વકર્મા અગાઉ અમદાવાદ ભાજપના પ્રમુખ રહી ચૂક્યા છે. જગદીશ વિશ્વકર્મા નિકોલના ધારાસભ્ય છે અને ત્રણ ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે.
હાલમાં જગદીશ વિશ્વકર્મા રાજ્યકક્ષાના મંત્રી તરીકે વિવિધ વિભાગોની જવાબદારી સંભાળી રહ્યા છે. જગદીશ વિશ્વકર્મા 2015થી 2021 સુધી અમદાવાદ ભાજપના પ્રમુખ હતાં ત્યારે ભાજપે અમદાવાદ મહાપાલિકામાં 192માંથી 160 સીટ મેળવી હતી. આગામી દિવસોમાં રાજ્યમાં મહાપાલિકાઓની ચૂંટણીઓ આવનારી છે ત્યારે જગદીશ વિશ્વકર્મા આ ચૂંટણીઓમાં પણ કરિશ્મા કરે તેવી ભાજપના કાર્યકરોને આશા છે. ઓબીસી સમાજના જગદીશ વિશ્વકર્માની વરણીથી ઓબીસી સમાજને ખુશ કરી શકાશે તેવી ગણતરી હાઈકમાન્ડની છે. કોંગ્રેસે પણ પ્રમુખ તરીકે ઓબીસી નેતાની પસંદગી કરી છે ત્યારે ભાજપ પણ તેની રાહે ચાલ્યું છે પરંતુ જગદીશ વિશ્વકર્મા માટે આગળનો રસ્તો દેખાય તેટલો સરળ નથી.
સીઆર પાટીલે ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે ભાજપને રાજ્યમાં 156 બેઠક અપાવવાનો એક માઈલસ્ટોન રચ્યો છે. રાજ્યમાં તમામ મહાપાલિકાઓની ચૂંટણીમાં વિજયની સાથે નગરપાલિકા અને પંચાયતોમાં પણ સીઆર પાટીલે ભાજપને જીત અપાવી છે. કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં જોડવાના હોય કે પછી ભાજપના સંગઠનની દ્રષ્ટિએ ખુબ મજબુત કરવાનું હોય, સીઆર પાટીલે સતત પાંચ વર્ષ સુધી મહેનત ચાલુ જ રાખી છે. સીઆર પાટીલના સમયમાં જોકે, ભાજપમાં જુથવાદ વકર્યો હતો. ભાજપમાં અનેક અસંતુષ્ઠો પણ ઉભા થઈ ગયા હતા. ભાજપમાં જ સીઆર પાટીલના વિરોધમાં હોય તેવા આગેવાનોની સંખ્યા પણ વધી હતી.
હાલમાં ભાજપની હાલત એવી છે કે આખું ભાજપ વેરવિખેર જેવી સ્થિતિમાં છે. સૌરાષ્ટ્રના નેતાઓને અલગ ચોકો છે. તો ઉત્તર ગુજરાતના નેતાઓનો પણ અલગ ચોકો છે. દક્ષિણ ગુજરાતના નેતાઓનો પણ અલગ ચોકો છે. આ સંજોગોમાં બધાને ભેગા કરીને આગળ વધવું જગદીશ વિશ્વકર્મા માટે ઘણું જ અઘરૂં છે. આગામી દિવસોમાં મંત્રીમંડળનું વિસ્તરણ અને ફેરબદલ પણ કરવામાં આવશે.
આ સંજોગોમાં પણ જગદીશ વિશ્વકર્મા માટે બધાને સંતોષ આપવો અઘરો થઈ પડે તેમ છે. કોંગ્રેસ અને અન્ય પક્ષના નેતાઓને પણ સામેલ કરી દેવાથી ગુજરાત ભાજપનું કદ વધી ગયું છે. આ વધેલા કદને કારણે ભાજપને ચાલવું અઘરૂં પડી રહ્યું છે. હાર્દિક પટેલથી શરૂ કરીને અર્જુન મોઢવડીયા સુધીના નેતાઓને ખુશ રાખવાનું કપરૂં કામ હવે જગદીશ વિશ્વકર્માએ કરવાનું રહેશે. આમ તો શાંત અને સૌમ્ય ગણાતા જગદીશ વિશ્વકર્મા બધાને સમજાવી શકે તેવા છે પરંતુ આ તો રાજકારણ છે, જગદીશ વિશ્વકર્માએ ત્રણ વર્ષ પ્રમુખ તરીકે કાઢવા માટે અનેક સમાધાનો કરવા પડશે તે નક્કી છે.