લક્ષ્મી વિલાસ પેલેસ ગરબા મુદ્દે વડોદરા શહેર ભાજપમાં જ મતભેદ
અકોટા ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ સાથે ભાજપ કાઉન્સિલરોની પણ હાજરી
વડોદરા શહેરના લક્ષ્મી વિલાસ પેલેસમાં આયોજિત ગરબા અંગે છેલ્લા કેટલાક દિવસથી વિવાદ ચાલતો હતો. ગરબામાં વિધર્મીઓને પાસ આપવામાં આવ્યા હોવાના મુદ્દે હિન્દુત્વવાદી ભાજપના નેતાઓએ કડક વલણ વ્યક્ત કર્યું હતું. શહેર ભાજપ પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોનીએ જણાવ્યું હતું કે તેમને આમંત્રણ મળ્યું નથી. જો આમંત્રણ મળશે તો અન્યો સાથે બેઠકો કરીને નિર્ણય લેવામાં આવશે. તેમ છતાં તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે નવરાત્રી માતાજીની આરાધનાનો પર્વ છે અને તેમાં માત્ર માતાજી પ્રત્યે શ્રદ્ધા ધરાવતા લોકોનો જ પ્રવેશ થવો જોઈએ. બીજી તરફ, ભાજપના અન્ય ધારાસભ્યો અને સાંસદોએ પણ આ બાબતે કડક નિવેદનો આપ્યા હતા અને વિધર્મીઓને પ્રવેશ આપવા અંગે વિરોધ કર્યો હતો. તેમ છતાં છેલ્લા નોરતે લક્ષ્મી વિલાસ પેલેસના ગરબામાં અકોટા ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ સહિત કેટલાક કાઉન્સિલરો હાજર રહ્યા હતા. આ ઘટનાને કારણે શહેરના રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ ગરમાઈ છે. કારણ કે એક તરફ ભાજપના નેતાઓ વિરોધ વ્યક્ત કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ તેમના જ ધારાસભ્ય અને કોર્પોરેટરો ગરબામાં હાજરી આપતા દેખાયા છે.
આ મુદ્દે રાજકીય ચર્ચાઓ પણ તેજ બની છે. ભાજપ પર હાલ આક્ષેપ થઈ રહ્યા છે કે એક તરફ તેઓ જાહેરમાં હિન્દુત્વની વાત કરે છે અને બીજી તરફ તેમના જ પ્રતિનિધિઓ ગરબામાં જોડાઈ રહ્યા છે. શહેરના રાજકીય પરિસ્થિતિમાં આ મુદ્દો આગામી દિવસોમાં વધુ ચર્ચાનો વિષય બનશે એવું મનાય છે. લક્ષ્મી વિલાસ પેલેસના ગરબા વડોદરાના પ્રખ્યાત ગરબાઓમાંનો એક છે, જ્યાં મોટી સંખ્યામાં લોકો જોડાય છે. વિધર્મીઓને પાસ આપવાના મુદ્દે ઉભા થયેલા વિવાદ અને ભાજપના અંદરના મતભેદો હવે સામે આવી રહ્યા છે.