
ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા નવા કાર્યક્રમ અનુસાર ધોરણ 9 થી 12 સુધીના વિદ્યાર્થીઓની પ્રથમ સત્રાંત પરીક્ષા આજથી રાજ્યભરમાં શરૂ થઈ છે. આ પરીક્ષાઓ 13 ઓક્ટોબર સુધી ચાલશે અને તેમાં આશરે 22 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે. રાજ્યભરની 12 હજારથી વધુ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આ પરીક્ષાનું આયોજન કરાયું છે.
બોર્ડના એકેડેમિક કેલેન્ડર મુજબ આ પરીક્ષાઓ અગાઉ 11 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર દરમિયાન યોજાવાની હતી. પરંતુ, સ્કૂલોની રજૂઆતોને ધ્યાનમાં રાખીને બોર્ડે કાર્યક્રમમાં ફેરફાર કર્યો હતો. 28 જુલાઈના રોજ બોર્ડે જિલ્લા શિક્ષણાધિકારીઓને પરિપત્ર મોકલીને નવો સમયપત્રક જાહેર કર્યો હતો, જેના આધારે પ્રાથમિક શાળાઓની પરીક્ષાઓ સાથે ધોરણ 9થી 12ની પરીક્ષાઓ પણ કોમન રીતે યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ કારણે પરીક્ષાઓ નવરાત્રીની રજાઓ બાદ શરૂ કરવામાં આવી છે.
નવા કાર્યક્રમ મુજબ આ પરીક્ષામાં વિદ્યાર્થીઓને જૂનથી સપ્ટેમ્બર સુધીનો અભ્યાસક્રમ આવરી લેવામાં આવ્યો છે. પરીક્ષાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેનું પરિણામ દિવાળી બાદ જાહેર થશે.
આજે વડોદરાની વિવિધ શાળાઓમાં પરીક્ષાનો પ્રારંભ થયો ત્યારે વિદ્યાર્થીઓનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. શિક્ષકોએ પરીક્ષાર્થીઓને કુમકુમ તિલક લગાવી, મોં મીઠું કરાવ્યું અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. પરીક્ષાનું વાતાવરણ ઉત્સાહભર્યુ અને વિશેષ રીતે ઉજવણી જેવું બન્યું હતું. પ્રાથમિક શાળાઓની પ્રથમ સત્રાંત પરીક્ષાઓ પણ જીસીઈઆરટી દ્વારા બહાર પાડવામાં આવેલા કોમન ટાઈમ ટેબલ મુજબ 6 ઓક્ટોબરથી શરૂ થવાની છે.

