દબાણ શાખાની ટીમ આવતા જ વેપારી રોડ પર સૂઈ જઈ ઉગ્ર વિરોધ કરતા મામલો ભીચક્યો, અધિકારીએ કહ્યું- માત્ર ગંદકી ન કરવાની સૂચના આપવા ગયા હતા

વડોદરા શહેરના કમાટીબાગ ગેટ સામે દબાણ શાખાની ટીમની કાર્યવાહી દરમિયાન એક છૂટક વેપાર કરતા વેપારીએ રોડ પર સૂઈ જઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વેપારીએ રોષ સાથે સવાલ કર્યો હતો કે, “વેપાર ન કરીએ તો શું કરીએ, ચોરી કરીએ? મહેનત કરી ખાઈએ છીએ તો પણ ખાવા નથી દેતા.” આ ઘટનાના પગલે થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેને બાદમાં સમજાવટથી દૂર કરવામાં આવી ટ્રાફિક સમસ્યા ઉકેલાઈ હતી.

શહેરમાં અવારનવાર ટ્રાફિકને અડચણરૂપ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી દબાણ શાખા દ્વારા કરવામાં આવે છે. આજે કમાટીબાગ ગેટ નંબર બે પાસે દબાણ શાખાની ટીમ પહોંચતા જ છૂટક વેપાર કરતા વેપારીઓમાં દોડધામ મચી ગઈ હતી. આ દરમિયાન એક વેપારીએ પોતાની વેદના અને રોષ વ્યક્ત કરતા કહ્યું કે, “અમે ક્યાં જઈએ? ધંધો નથી કરવા દેતા તો શું ચોરીઓ કરવા જઈએ? મહેનત કરીને, પસીનો પાડીને ખાઈએ છીએ તો પણ ખાવા નથી દેતા. માણસ કંટાળી જાય તો શું કરે, મરી ન જાય તો શું કરે?” વેપારીએ દબાણ શાખાના કર્મચારી દ્વારા પોતાનો સામાન ફેંકી દેવામાં આવતા ઉગ્ર બોલાચાલી બાદ વિરોધ કરવા માટે જાહેર રોડ પર સૂઈ જઈને આખો રસ્તો માથે લીધો હતો.
રોજ કમાઈને રોજ ખાનાર આ વેપારીઓનો સ્પષ્ટ આક્ષેપ છે કે તેમને અહીંયા ધંધો કરવા દેવામાં આવતો નથી અને અવારનવાર હેરાન-પરેશાન કરવામાં આવે છે.
જોકે, આ બનાવ અંગે દબાણ શાખાના અધિકારી ચિરાગ શાહએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, તેમની ટીમ વેપારીનો સામાન જપ્ત કરવા નહીં, પરંતુ કમાટીબાગ ગેટ સામે અવારનવાર થતી ગંદકી ન કરવા માટે માત્ર સૂચના આપવા ગઈ હતી. અધિકારીના જણાવ્યા મુજબ, સૂચના આપતી વખતે વેપારી એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને જાતે જ સામાન વેરવિખેર કરીને રોડ પર સૂઈ ગયા હતા. તેમણે એમ પણ જણાવ્યું કે આ વેપારીએ અગાઉ પણ એકવાર આવું વર્તન કર્યું હતું. આ વિરોધને કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો, પરંતુ બાદમાં સમજાવટથી વેપારીને હટાવી દેવામાં આવ્યો હતો.