National

વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુએ ફરી એકવાર દેશનું નામ રોશન કર્યું, વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો

ભારતની સ્ટાર વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુએ ફરી એકવાર દેશનું નામ ગૌરવથી ઊંચું કર્યું છે. 2025 વર્લ્ડ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં તેમણે કુલ 199 કિલોગ્રામ વજન ઉપાડી સિલ્વર મેડલ પોતાના નામે કર્યો. આ સાથે મીરાબાઈનો વર્લ્ડ ચેમ્પિયનશિપમાં આ ત્રીજો મેડલ છે.

મીરાબાઈનું શાનદાર પ્રદર્શન
48 કિલો ગ્રામ વજન વર્ગમાં સ્પર્ધા કરતી મીરાબાઈએ સ્નેચ કેટેગરીમાં 84 કિલોગ્રામ ઉપાડીને શરૂઆત કરી. ત્યારબાદ ક્લીન એન્ડ જર્કમાં 115 કિલોગ્રામ ઉપાડીને કુલ 199 કિલોગ્રામનો સ્કોર કર્યો. આ પ્રદર્શનથી તેઓ બીજા ક્રમે રહી અને સિલ્વર મેડલ જીત્યો.

ગોલ્ડ કોરિયાને-બ્રોન્ઝ થાઈલેન્ડને મળ્યો
આ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ કોરિયાની રી સોંગ-ગમને મળ્યો જેમણે કુલ 213 કિલોગ્રામ (91+122) વજન ઉપાડીને જીત મેળવી. ખાસ વાત એ છે કે રી સોંગ-ગમે ક્લીન એન્ડ જર્કમાં 122 કિલોગ્રામ ઉપાડી નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.

બ્રોન્ઝ મેડલ થાઈલેન્ડની થાન્યાથોન સુકચારોનને મળ્યો જેમણે કુલ 198 કિલોગ્રામ (88+110) વજન ઉપાડ્યું હતું.

ત્રણ વર્ષ બાદ મોટી ટુર્નામેન્ટમાં મેડલ
મીરાબાઈ માટે આ મેડલ ખાસ મહત્વનો છે. કારણકે તેઓ 2024 પેરિસ ઓલિમ્પિકમાં તેઓ ચોથા ક્રમે રહીને આ મેડલ ચૂકી ગયા હતા. ત્યારબાદ આ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તેમનું પ્રદર્શન ખૂબ જ ચર્ચામાં રહ્યું. લાંબા વિરામ બાદ ફરી મોટી ટુર્નામેન્ટમાં મેડલ જીતીને મીરાબાઈએ સાબિત કર્યું કે તેઓ હજુ પણ વિશ્વના શ્રેષ્ઠોમાંથી એક છે.

મીરાબાઈ ચાનુએ અત્યાર સુધીમાં ત્રણ વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ જીત્યા છે,

  • 2017 વર્લ્ડ ચેમ્પિયનશિપ – ગોલ્ડ મેડલ
  • 2022 વર્લ્ડ ચેમ્પિયનશિપ – સિલ્વર મેડલ
  • 2025 વર્લ્ડ ચેમ્પિયનશિપ – સિલ્વર મેડલ

તે ઉપરાંત તેમણે 2020 ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતીને ભારતને ગૌરવ અપાવ્યું હતું.

દેશનું ગૌરવ
મીરાબાઈનો આ સિલ્વર મેડલ માત્ર એક વ્યક્તિગત સિદ્ધિ નથી પરંતુ ભારત માટે ગૌરવની વાત છે. તેમણે ફરી સાબિત કર્યું છે કે મહેનત, શિસ્ત અને નિશ્ચયથી મોટી સફળતા મેળવી શકાય છે.

Most Popular

To Top