World

ન્યૂયોર્કના લાગાર્ડિયા એરપોર્ટ પર ડેલ્ટાના બે વિમાનો અથડાયા, એક ફ્લાઇટ એટેન્ડન્ટ ઘાયલ

ન્યૂયોર્કના લાગાર્ડિયા એરપોર્ટ પર ગત રોજ તા. 1 ઓક્ટોબર બુધવારે રાત્રે ટેક્સીવે પર બે ડેલ્ટા એરલાઇન્સ વિમાનો અથડાયા હતા. જોકે ટક્કર ઓછી ગતિએ થઈ હોવા છતાં એક ફ્લાઇટ એટેન્ડન્ટ ઘાયલ થયો હતો. જેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. સદભાગ્યે મુસાફરોને કોઈ ઈજા થઈ નથી.

કેવી રીતે બની ઘટના?
ડેલ્ટાના નિવેદન અનુસાર વર્જિનિયાના રોઆનોક જવા તૈયાર રહેલું વિમાન જ્યારે ટેક્સીવે પર આગળ વધી રહ્યું હતું ત્યારે તેની પાંખ ઉત્તર કેરોલિનાના શાર્લોટથી આવી રહેલા બીજા વિમાનના ફ્યુઝલેજ સાથે અથડાઈ ગઈ હતી. અથડામણ થતાની સાથે જ બંને વિમાનો રોકી દેવામાં આવ્યા અને મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.

પોર્ટ ઓથોરિટી ઓફ ન્યૂયોર્ક અને ન્યૂ જર્સીએ જણાવ્યું કે ઘટના બાદ એરપોર્ટની અન્ય કામગીરી સામાન્ય રીતે ચાલુ રહી હતી અને મોટી મુશ્કેલી ઉભી થઈ નથી.

ડેલ્ટાનું નિવેદન
એરલાઇન્સે પોતાના સત્તાવાર નિવેદનમાં કહ્યું “આ ટક્કરમાં મુસાફરોને કોઈ નુકસાન થયું નથી. એક ફ્લાઇટ એટેન્ડન્ટને હળવી ઈજા થઈ છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મુસાફરોની સુરક્ષા અમારી પ્રથમ પ્રાથમિકતા છે.
અમે તમામ સંબંધિત અધિકારીઓ સાથે મળીને ઘટનાની વિગતવાર સમીક્ષા કરીશું. આ અસુવિધા બદલ અમે અમારા ગ્રાહકોને દિલથી માફી માંગીએ છીએ.”

ડેલ્ટાએ વધુમાં સ્પષ્ટ કર્યું કે અથડામણમાં સામેલ એક વિમાન ડેલ્ટા કનેક્શન ફ્લાઇટ હતું. જે એન્ડેવર એર દ્વારા સંચાલિત થાય છે.

મુસાફરો સુરક્ષિત
ઘટનામાં સામેલ બંને વિમાનોમાંથી મુસાફરોને સલામત રીતે ઉતારીને ટર્મિનલ સુધી પહોંચાડવામાં આવ્યા હતા. મુસાફરોમાં કોઈ પણ વ્યક્તિ ઘાયલ થયું નથી અને તેમને વિકલ્પરૂપે અન્ય ફ્લાઇટ્સ દ્વારા તેમના સ્થાન સુધી મોકલવામાં આવ્યા.

સલામતી પર સવાલ
આ ઘટના બાદ એરલાઇન્સ અને એવિએશન સત્તાધિકારીઓ ટેક્સીવે સલામતી પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે. વિમાનો ઓછી ગતિએ હોવા છતાં અથડાઈ જવાથી એવિએશન સલામતી ધોરણો અને એરપોર્ટ મેનેજમેન્ટ પર નવા પ્રશ્નો ઉભા થયા છે.

Most Popular

To Top