વડોદરા: મહાનગરપાલિકાના એકાઉન્ટ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરી દેવાયો છે કે દિવાળીના તહેવારને અનુલક્ષીને કર્મચારીઓ તથા પેન્શનરોને ઓક્ટોબર મહિનાનો પગાર અને પેન્શન વહેલાં ચૂકવાશે. આ માટે પાલિકાના તમામ ખાતાઓને જરૂરી કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. પરિપત્ર મુજબ બેન્ક દ્વારા પગાર મેળવનાર તમામ કર્મચારીઓના પગાર પત્રકો માટે આઈટી શાખામાં પેરોલ ડેટાના ફોર્મ 4 ઓક્ટોબર સુધી મોકલવા રહેશે. પગાર પત્રકો આઈટી શાખા પાસેથી 8 ઓક્ટોબરે મેળવી, ઓડિટ શાખામાં 10 ઓક્ટોબર સુધી રજુ કરવા પડશે. ઓડિટ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પત્રકો હિસાબી શાખા દ્વારા ચુકવણી માટે 14 ઓક્ટોબર સુધી મોકલવાના રહેશે. રોજીંદારી અને 11 માસના કરાર આધારીત કર્મચારીઓની 21 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર સુધીની હાજરીની માહિતી 9 ઓક્ટોબરના બપોર સુધી આઈટી શાખાને પાઠવવી પડશે. તૈયાર થયેલા પત્રકો 10 ઓક્ટોબરે મેળવી ઓડિટ કરાવી 14 ઓક્ટોબર સુધી હિસાબી શાખાને ચુકવણી માટે મોકલવાના રહેશે.
જેઓના પગાર મેન્યુઅલી પત્રક (P ફોર્મ) દ્વારા ચૂકવવામાં આવે છે, તેવા કરાર આધારિત કે અન્ય કર્મચારીઓની 1 થી 10 ઓક્ટોબરની હાજરીની વિગતો 11 ઓક્ટોબર સુધી હિસાબી શાખામાં રજુ કરવાની રહેશે. ત્યારબાદ ઓડિટ પૂર્ણ કરી 14 ઓક્ટોબર સુધી હિસાબી શાખાને ચુકવણી માટે મોકલાશે. આ ઉપરાંત, ઓક્ટોબર મહિનાની પેન્શનના પત્રકો 9 ઓક્ટોબરે આઈટી શાખા પાસેથી મેળવી ઓડિટ કરાવ્યા બાદ 14 ઓક્ટોબર સુધી હિસાબી શાખાને ચુકવણી માટે મોકલવામાં આવશે.