NEWSFLASH

ઇન્ડોનેશિયામાં શાળાની ઇમારત ધરાશાયી, એક વિદ્યાર્થીનું મોત, 38 લોકો કાટમાળ નીચે ફસાયા

ઇન્ડોનેશિયાના પૂર્વ જાવા પ્રાંતમાં આજ રોજ તા. 30 સપ્ટેમ્બરે એક દુર્ઘટના બની જ્યાં એક ઇસ્લામિક સ્કૂલની ઇમારત અચાનક ધરાશાયી થઈ ગઈ. આ ઘટનામાં એક વિદ્યાર્થીનું મોત થયું છે. જ્યારે 80થી વધુ લોકો ઘાયલ થયા છે. જોકે કાટમાળમાંથી અત્યાર સુધી 102 લોકોને બચાવી લેવામાં આવ્યા છે પરંતુ હજી પણ અંદાજે 38 લોકો કાટમાળ નીચે દટાયેલા હોવાની શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

કેવી રીતે બની ઘટના?
માહિતી મુજબ પૂર્વ જાવામાં આવેલી અલ ખોજીની ઇસ્લામિક સ્કૂલમાં આ બનાવ બન્યો હતો. આ સમયે શાળામાં નમાજ માટે કેટલાક લોકો એકઠા થયા હતા ત્યારે અચાનક ઇમારતનો એક ભાગ ધરાશાયી થઈ ગયો. અકસ્માત સમયે સ્કૂલમાં નવીનીકરણનું કામ ચાલી રહ્યું હતું. સમારકામ વચ્ચે જ ઇમારત તૂટી પડતા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને કામદારો કાટમાળમાં ફસાઈ ગયા હતા.

સ્થાનિક બચાવ એજન્સી અને રાહતદળ તરત જ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અત્યાર સુધીમાં 102 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. તેમ છતાં 38 લોકો હજુ પણ કાટમાળ હેઠળ હોવાની આશંકા છે. જેના કારણે બચાવ કામગીરી તીવ્ર ગતિએ ચાલી રહી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભય અને ચિંતા વ્યાપી ગઈ છે

આ દુર્ઘટનામાં 80થી વધુ લોકો ઘાયલ થયા છે. બધા જ ઘાયલોને નજીકની હોસ્પિટલો સુધી ખસેડવામાં આવ્યા છે. કેટલાક લોકોની હાલત ગંભીર હોવાના કારણે સારવાર માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

હાલની સ્થિતિ
એક વિદ્યાર્થીનું મોત, 80 ઘાયલો અને 38 લોકો હજી કાટમાળ નીચે હોવાની શક્યતાએ પરિસ્થિતિને ગંભીર બનાવી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે બચાવ કામગીરી અવિરત ચાલુ છે અને સ્થાનિક લોકો પણ મદદ માટે જોડાઈ રહ્યા છે.

આ દુર્ઘટનાએ ફરી એકવાર બાંધકામની સુરક્ષા અને સમારકામ દરમિયાન લેવાતી તકેદારીઓ પર સવાલો ઉભા કર્યા છે.

Most Popular

To Top