National

વિદ્યાર્થિનીઓની છેડતીના આરોપી બાબા ચૈતન્યનંદ આગ્રાથી ઝડપાયા

દિલ્હી પોલીસે વિદ્યાર્થિનીઓની છેડતીના આરોપી બાબા ચૈતન્યનંદ સરસ્વતીને આગ્રાની એક હોટલમાંથી ઝડપી પાડ્યા છે. હાલ તેમને દિલ્હી લાવવામાં આવ્યા છે અને કોર્ટમાં રજુ કરવાની કાર્યવાહી શરૂ થઈ છે. જોકે પોલીસે તેમના રિમાન્ડની માંગ પણ કરી શકે છે.

બાબા ચૈતન્યનંદ પર વિદ્યાર્થિનીઓ સાથે છેડતી અને અશ્લીલ વર્તનના ગંભીર આરોપો છે. 2016માં દિલ્હીની શ્રી શારદા ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીએ ફરિયાદ કરી હતી કે બાબા તેને રૂમમાં બંધ રાખતા, વારંવાર રાત્રે ફોન કરીને અશ્લીલ વાતો કરતા અને તેને “બેબી” તેમજ “સ્વીટ ગર્લ” કહીને સંબોધતા હતા.

યુવતીએ જણાવ્યું હતું કે બાબાએ તેનો મોબાઇલ છીનવી લીધો હતો અને અન્ય વિદ્યાર્થીઓ સાથે વાત કરવા પર પણ પ્રતિબંધ મુક્યો હતો. તેણે વધુમાં કહ્યું કે બાબાએ મથુરાની યાત્રા પર જવા માટે દબાણ કર્યું જેના કારણે ડરીને તે પોતાની બેગ અને દસ્તાવેજો છોડી પીઠમાંથી ભાગી ગઈ હતી.

પોલીસની તપાસમાં ખુલ્યું છે કે બાબા ચૈતન્યનંદ પીડિતાઓને બ્લેકમેઇલ અને ધમકી આપીને ચુપ રાખવાના પ્રયાસ કરતા હતા. અત્યાર સુધીમાં 17 વિદ્યાર્થિનીઓના નિવેદન કોર્ટમાં નોંધાઈ ચૂક્યા છે. આ બધામાં સ્પષ્ટ થયું છે કે બાબા લાંબા સમયથી યુવતીઓ પર માનસિક દબાણ કરીને દુર્વ્યવહાર કરતા હતા.

દિલ્હી પોલીસે બાબા ચૈતન્યનંદની આશરે રૂ. 8 કરોડની સંપત્તિ પણ સ્થગિત કરી છે. આ રકમ 18 બેંક ખાતાઓ અને 28 ફિક્સ્ડ ડિપોઝિટમાં જમા કરાવેલી હતી. જે તેમના નામે ચાલતા એક ટ્રસ્ટ સાથે જોડાયેલી હતી. આ કાર્યવાહી સાથે બાબાની નાણાકીય ગતિવિધિઓ પર પણ સખત નજર રાખવામાં આવી રહી છે.

ચૈતન્યનંદ સામે અત્યાર સુધીમાં 5 એફઆઈઆર નોંધાઈ છે. જેમાં બે જૂની એફઆઈઆર વર્ષ 2009 અને 2016ની છે. બાકી ત્રણ કેસોમાં મઠમાં છેતરપિંડી, વિદ્યાર્થિનીઓની છેડતી અને નકલી રાજદ્વારી લાઇસન્સ પ્લેટનો સમાવેશ થાય છે. જણાવાય છે કે બાબા પોતાની લાલ કાર પર વારંવાર નકલી “UN” લખેલી લાઇસન્સ પ્લેટ લગાવીને ચલાવતા હતા.

દિલ્હી પોલીસે બાબા સામેની કાર્યવાહી વધુ કડક બનાવવા માટે પુરાવાઓ ભેગા કર્યા છે. પીડિતાઓની ફરિયાદો, તેમની નોંધાયેલ સાક્ષીઓ અને બાબાની સંપત્તિ અંગેની વિગતો કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

હાલમાં ચૈતન્યનંદને કોર્ટમાં રજુ કરવાની તૈયારી ચાલી રહી છે. જો રિમાન્ડ મંજૂર થશે તો વધુ ખુલાસા થવાની શક્યતા છે. પોલીસને આશા છે કે તપાસમાં નવા પુરાવા સામે આવશે અને પીડિતાઓને ન્યાય મળશે.

Most Popular

To Top