સપ્ટેમ્બરનો અંત નજીક છે અને ઓક્ટોબર નવા નિયમોના પેકેજ સાથે આવી રહ્યો છે. તા.1 ઓક્ટોબર 2025થી દેશભરમાં પાંચ મોટા નિયમોમાં ફેરફારો લાગુ થવાના છે. જેનો સીધો પ્રભાવ દરેક ઘર અને દરેક લોકોના ખિસ્સા પર પડશે. આ ફેરફારોમાં LPG સિલિન્ડરના ભાવથી લઈને રેલવે ટિકિટ બુકિંગ, પેન્શન નિયમો, UPI ટ્રાન્ઝેક્શન અને બેંક રજાઓનો સમાવેશ થાય છે. આવો જાણીએ એક પછી એક ફેરફારો વિશે.
- LPG સિલિન્ડરના ભાવમાં બદલાવ
ઓક્ટોબરની શરૂઆતમાં સૌથી મોટો ફેરફાર LPG સિલિન્ડરના ભાવનો હોઈ શકે છે. કિચનના બજેટ સાથે સીધો સંબંધ ધરાવતા 14 કિલોગ્રામના ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં લાંબા સમયથી કોઈ બદલાવ આવ્યો નથી. છેલ્લો ફેરફાર તા. 8 એપ્રિલ 2025ના રોજ થયો હતો. હવે તહેવારોની મોસમમાં સરકાર અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ તરફથી રાહત અથવા વધારો બંને સંભાવના છે. ઉપરાંત ATF, CNG અને PNGના ભાવમાં પણ સુધારા થવાની શક્યતા છે.
- રેલવે ઓનલાઈન ટિકિટ બુકિંગ નિયમમાં ફેરફાર
તા. 1 ઓક્ટોબરથી ભારતીય રેલ્વે ટિકિટ બુકિંગમાં મોટો ફેરફાર કરશે. હવે રિઝર્વેશન ખોલ્યાના પ્રથમ 15 મિનિટમાં ફક્ત આધાર ચકાસણી કરાવનારાઓ જ ઓનલાઈન ટિકિટ બુક કરી શકશે. આ નિયમ IRCTC વેબસાઇટ અને એપ બંને પર લાગુ થશે. આ પગલું છેતરપિંડી રોકવા માટે લેવામાં આવ્યું છે. હાલ આ નિયમ તત્કાલ બુકિંગ પર લાગુ છે પરંતુ હવે સામાન્ય રિઝર્વેશન પર પણ લાગશે. જો કે PRS કાઉન્ટર પરથી ટિકિટ ખરીદનારાઓ માટે કોઈ બદલાવ નહીં હોય.
- પેન્શન નિયમોમાં ફેરફાર
NPS, UPS, અટલ પેન્શન યોજના (APY) અને NPS Lite સબ્સ્ક્રાઇબર્સ માટે ફી માળખામાં બદલાવ થશે. તા.1 ઓક્ટોબરથી સરકારી કર્મચારીઓને નવું PRAN ખોલવા માટે e-PRAN કીટ માટે રૂ. 18 અને ભૌતિક PRAN કાર્ડ માટે રૂ.40 ચૂકવવા પડશે. પ્રતિ એકાઉન્ટ વાર્ષિક જાળવણી ચાર્જ રૂ. 100 રહેશે. જ્યારે APY અને NPS Liteમાં PRAN ઓપનિંગ ચાર્જ અને વાર્ષિક જાળવણી ચાર્જ બંને રૂ.15 રહેશે, અને ટ્રાન્ઝેક્શન ચાર્જ શૂન્ય રહેશે.
- UPI ટ્રાન્ઝેક્શન પર અસર
ઓક્ટોબરથી UPI યુઝર્સ માટે મહત્વપૂર્ણ બદલાવ થશે. PhonePe, Google Pay અને Paytm જેવી એપ્સમાં સૌથી વધુ ઉપયોગ થતી P2P (પીઅર-ટુ-પીઅર) સુવિધા દૂર થઈ શકે છે. NPCI (નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા) દ્વારા આ પગલું નાણાકીય છેતરપિંડી અટકાવવા અને સુરક્ષા વધારવા માટે લેવામાં આવી રહ્યું છે. આ ફેરફાર તા. 29 જુલાઈના પરિપત્ર પછી તા. 1 ઓક્ટોબરથી અમલમાં આવશે.
- બેંક રજાઓની બમ્પર લિસ્ટ
ઓક્ટોબર મહિનો તહેવારોની સિઝનથી ભરેલો છે. આ વખતે મહિના દરમિયાન કુલ 21 બેંક રજાઓ રહેશે. જેમાં મહાત્મા ગાંધી જયંતિ, દશેરા, લક્ષ્મી પૂજા, દિવાળી, ભાઈબીજ, છઠ પૂજા સહિતના તહેવારો સામેલ છે. ઉપરાંત દર મહિના મુજબના બીજા અને ચોથા શનિવાર તથા રવિવારની રજાઓ પણ હશે. જો કે, બેંક રજાઓ રાજ્ય પ્રમાણે બદલાઈ શકે છે.
કુલ મળી, તા.1 ઓક્ટોબરથી લાગુ થનારા આ પાંચ ફેરફારો સામાન્ય માણસના રોજિંદા જીવન અને નાણાકીય વ્યવહાર બંને પર સીધો પ્રભાવ પાડશે. તહેવારોની મોસમમાં આ બદલાવ રસોડાથી લઈને પેન્શન અને પેમેન્ટ સુધી અસરકારક સાબિત થશે.