Vadodara

અતિથિગૃહ-કોમ્યુનિટી હોલના બુકીંગ રદ્દ કરવાની નીતિમાં સુધારા કરાયા

લગ્ન-સગાઈ કે સીમંત પ્રસંગ પહેલાં આકસ્મિક મૃત્યુ થાય તો ભરેલી લાગત સંપૂર્ણ પરત મળશે

સ્થાયી સમિતિની બેઠકમાં રજૂ થયેલી કુલ 12 દરખાસ્તોને ચર્ચા બાદ મંજૂરી આપવામાં આવી

વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની યોજાયેલી બેઠકમાં કુલ 12 દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી, જેને ચર્ચા બાદ મંજૂરી આપવામાં આવી છે. તેમાં સ્માર્ટ સિટી અંતર્ગત ખરીદાયેલી સિટી બસ સંબંધિત દરખાસ્ત સાથે અતિથિગૃહ તથા કોમ્યુનિટી હોલનું બુકીંગ રદ કરાવવાનાં નિયમોમાં સુધારા અંગેની દરખાસ્તને પણ મંજૂરી મળી છે. પાલિકા દ્વારા હાલમાં નક્કી કરાયેલા નિયમો મુજબ, અતિથિગૃહ કે હોલનું બુકીંગ લગ્ન કે સગાઈ પ્રસંગ માટે કરાવવામાં આવે અને અરજદાર પ્રસંગ પહેલાં 10 દિવસ અગાઉ રદ્દ કરે તો ફક્ત 70 ટકા રકમ જ પરત કરવામાં આવતી હતી. પરંતુ હવે રિક્રિએશન અને કલ્ચરલ સમિતિના અધ્યક્ષાની ભલામણને આધારે નવા સુધારા લાવવામાં આવ્યા છે. નવા નિયમ મુજબ, લગ્ન કે સગાઈ માટે કરાયેલા બુકીંગ પહેલાં જો વર કે કન્યા, તેમના માતા-પિતા, દાદા-દાદી અથવા ભાઈ-બહેનનું નિધન થાય તો અરજદારને ભરેલી લાગત તથા અનામતની સંપૂર્ણ રકમ (GST સિવાય) પરત કરવામાં આવશે. આ જ રીતે, સીમંત પ્રસંગ માટે કરાયેલા બુકીંગ પહેલાં ગર્ભમાં રહેલ બાળક અથવા માતાનું આકસ્મિક નિધન થાય તો પણ અરજદારને ભરેલી સંપૂર્ણ રકમ (GST સિવાય) પરત કરવામાં આવશે.

પાલિકા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આવી પરિસ્થિતિમાં અરજદારને મૃત્યુ સંબંધિત પુરાવા રજૂ કરવા પડશે. ચકાસણી બાદ 18 ટકા GST સિવાય ભરેલી તમામ લાગત અને અનામત રકમ રીફંડ કરવામાં આવશે. આ દરખાસ્તને સ્થાયી સમિતિની બેઠકમાં મંજૂરી આપી દેવાઈ છે. હવે પાલિકાના નિયમોમાં ફેરફાર કરીને આ સુધારા અમલમાં મૂકવામાં આવશે. આમ, કુટુંબમાં આકસ્મિક મૃત્યુ પ્રસંગ બને ત્યારે અરજદારને આર્થિક રાહત મળી શકે તેવા નવા નિયમનો આગામી સમયમાં અમલ થશે.

Most Popular

To Top