દશેરા પર્વને હવે ગણતરીનાં દિવસો બાકી છે ત્યારે વડોદરા શહેરમાં તહેવારની રોનક સ્પષ્ટ દેખાવા લાગી છે

શહેરનાં રાજમાર્ગો પર ફરતા ફેરિયાઓ દ્વારા રાવણનાં પુતળાં વેચાતાં નજરે પડે છે. મોટા રાવણ દહન કાર્યક્રમો સિવાય શહેરના અનેક વિસ્તારોમાં નાના–નાના આયોજનો થવાની શરૂઆત થઈ ગઈ છે.
સ્થાનિક સમાજો તથા યુવા મંડળો દ્વારા ગલીઓ અને મેદાનોમાં વિશેષ કાર્યક્રમોની યોજનાઓ બનાવવામાં આવી રહી છે. દશેરાની સાંજે રાવણ દહન જોવા મોટી સંખ્યામાં ધર્મપ્રેમીઓ પોતાના બાળકો અને પરિજનો સાથે ઉપસ્થિત રહે છે. પૌરાણિક પરંપરા સાથે જોડાયેલાં આવા કાર્યક્રમોમાં લોકો ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે.
દશેરા પર્વ નજીક આવતાં જ બજારોમાં પણ ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. રમકડાં, શૃંગાર સામાન અને તહેવાર સંબંધિત વસ્તુઓ માટે નાના–મોટા વેપારીઓએ પણ ખાસ સ્ટૉક તૈયાર કર્યો છે. વડોદરા શહેરમાં આવનારા થોડા દિવસોમાં નાના–મોટા સ્તરે અનેક રાવણ દહન નિહાળવા મળશે તેવી ધારણા છે.
