Vadodara

ટ્રાફિક સમસ્યા ઉકેલવા આજવા રોડ પર ઈબ્રાહીમ બાવા ITIની 12 મીટર લાંબી દીવાલ તોડી પડાઈ

દીવાલ તોડવા પોલીસ અને એસઆરપી સાથે દબાણ શાખાની ટીમ પહોંચી


વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં ટ્રાફિકનો ભાર હળવો કરવાના ઉદ્દેશ્યથી આજે મહાનગરપાલિકાની દબાણ શાખાએ આજવા રોડ સ્થિત ઈબ્રાહીમ બાવા આઈટીઆઈ સંસ્થાની 12 મીટર લાંબી દીવાલ ધરાશાયી કરી હતી. આ કાર્યવાહી દરમ્યાન ટાઉન પ્લાનિંગ વિભાગનાં ટીપી-43 યોજનાના ભાગરૂપે જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.
આજવા રોડ શહેરના વ્યસ્ત માર્ગોમાંથી એક હોવાને કારણે અહીં સતત વાહનવ્યવહારનું દબાણ રહે છે. ખાસ કરીને પીક અવર્સ દરમ્યાન મોટાપાયે ટ્રાફિક જામ સર્જાતો હતો. નાગરિકોની સમસ્યાને ધ્યાનમાં લઈ પાલિકા તંત્ર દ્વારા રસ્તો ખુલ્લો કરવા આઈટીઆઈની દીવાલ તોડી પાડવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહાનગરપાલિકાની દબાણ શાખા જ્યારે બુલડોઝર સાથે સ્થળ પર પહોંચી હતી, ત્યારે સુરક્ષા બંદોબસ્ત અર્થે બાપોદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમજ એસઆરપીનો કાફલો પણ સ્થળ પર તૈનાત કરવામાં આવ્યો હતો. દીવાલ તોડવાની કાર્યવાહી પહેલા જ સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં એકઠા થયા હતા, પણ પોલીસે કડક બંદોબસ્ત કરીને ટોળાને ખદેડી દીધું હતું.
સુરક્ષા બંદોબસ્ત વચ્ચે દબાણ શાખાની ટીમે બુલડોઝરોની મદદથી 12 મીટર લાંબી દીવાલ ધરાશાયી કરી હતી. આ કાર્યવાહી બાદ આજવા રોડ પર રસ્તો ખુલ્લો થવાથી વાહનવ્યવહાર હળવો થવાની આશા વ્યક્ત થઈ રહી છે. પાલિકા તંત્રનું માનવું છે કે જગ્યા ખુલ્લી થતા ટ્રાફિક જામની સમસ્યામાં રાહત મળશે.

Most Popular

To Top