ભારતીય વાયુ સેનાનું ફાઇટર પ્લેન “મિગ-21” લગભગ છ દાયકા સુધી વાયુસેનાનું ગૌરવ બની રહ્યું છે. જેને દેશના મોટા યુદ્ધમાં તેની મુખ્ય ભૂમિકા આપી છે. આ ફાઇટર પ્લેનને આજે તા.26 સપ્ટેમ્બર 2025ના રોજ ચંદીગઢ એરબેઝ પરથી અંતિમ વિદાય આપવામાં આવશે. જોકે ખાસ વાત એ છે કે આ ઐતિહાસિક ક્ષણમાં મહિલા સ્ક્વોડ્રન લીડર પ્રિયા શર્મા અંતિમ ઉડાન ભરશે. જે દેશની 7મી મહિલા ફાઇટર પાઇલટ છે.
ભારતીય વાયુસેનામાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર ફાઇટર પ્લેન મિગ-21 હવે નિવૃત્ત થવા જઈ રહ્યું છે. 1963થી સેવા આપતા આ પ્લેનને તા. 26 સપ્ટેમ્બરે ચંદીગઢ એરબેઝ પરથી ઔપચારિક રીતે વિદાય આપવામાં આવશે. આ પ્રસંગે એક વિશાળ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મિગ-21 અંતિમ વખત આકાશમાં ઉડાન ભરશે. અંતે વિમાનોના ઉતરાણ સમયે વોટર કેનન સલામી આપવામાં આવશે.
આ ઐતિહાસિક ક્ષણમાં એક મહિલા ફાઇટર પાઇલટની હાજરી પણ ઇતિહાસ રચશે. સ્ક્વોડ્રન લીડર પ્રિયા શર્મા જે દેશની 7મી મહિલા ફાઇટર પાઇલટ છે. જે મિગ-21ની વિદાય ફ્લાયપાસ્ટમાં સામેલ થશે. પ્રિયાએ બુધવારે ફુલ ડ્રેસ રિહર્સલમાં પણ મિગ-21 ઉડાડ્યું હતું.
કોણ છે પ્રિયા શર્મા?
પ્રિયા શર્મા રાજસ્થાનના ઝુનઝુનુ જિલ્લાના રહેવાસી છે. બાળપણથી જ ફાઇટર વિમાનો પ્રત્યેનો રસ તેમને આ ક્ષેત્રે તરફ ખેંચી લાવ્યો. ખાસ કરીને જગુઆર અને હોક વિમાનોને ઉડતા જોતા જ તેમને પાઇલટ બનવાની પ્રેરણા મળી હતી. પ્રિયાએ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો અને ત્યારબાદ 2018ની બેચમાં એકમાત્ર મહિલા ફાઇટર પાઇલટ તરીકે પસંદ થઈ હતી.
પ્રિયાએ તાલીમની શરૂઆત હૈદરાબાદના હકીમપેટ એરફોર્સ સ્ટેશનથી કરી હતી. ત્યારબાદ કર્ણાટકના બિદર એરફોર્સ સ્ટેશનમાં એડવાન્સ્ડ તાલીમ મેળવી. તેમનું સ્નાતક ડુંડીગલ સ્થિત એરફોર્સ એકેડેમીમાંથી થયું હતું. જ્યાં તેમને આર્મી ચીફ જનરલ બિપિન રાવતના હાથેથી ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ મળ્યું હતું.
પ્રિયા હાલમાં સ્ક્વોડ્રન લીડર તરીકે સેવા આપી રહી છે અને મિગ-21ની અંતિમ ઉડાનમાં તેમનો સમાવેશ ભારતીય વાયુસેનામાં મહિલાઓની વધતી ભૂમિકા દર્શાવે છે.
મિગ-21નો ઇતિહાસ
મિગ-21નો ઇતિહાસ પણ એટલો જ ગૌરવપૂર્ણ રહ્યો છે. આ ફાઇટર પ્લેન અનેક યુદ્ધોમાં ભારતની મુખ્ય તાકાત બની રહ્યું છે અને તેને વાયુસેનાની “બેકબોન” પણ કહેવામાં આવ્યું છે. હવે તેની વિદાય સાથે એક યુગનો અંત થશે પરંતુ તેની જગ્યાએ નવા આધુનિક ફાઇટર વિમાનો વાયુસેનામાં સેવા આપશે.