Editorial

ટ્રમ્પને યુએનમાં પોતાને અનુકૂળ આવે તેવા સુધારા જોઇએ છે

યુનાઇટેડ નેશન્સ(યુએન)ની વાર્ષિક સામાન્ય સભા ન્યૂયોર્કમાં યુએનના મુખ્યાલય ખાતે યોજાઇ ગઇ. યુએન જનરલ એસેમ્બ્લી, જેને ટૂંકમાં યુએનજીએ કહે છે તેની  સામાન્ય ચર્ચાના સત્રમાં અમેરિકી પ્રમુખે પોતાની જ કથિત સિદ્ધીઓની ડંડાસો મારી અને યુએનની ટીકા કરી. ટ્રમ્પે દાવો કર્યો કે પોતાની આ બીજી ટર્મના પ્રથમ સાત મહિનામાં જ પોતે સાત યુદ્ધોનો અંત આણ્યો છે! યુએન જનરલ એસેમ્બલીના ઉચ્ચ સ્તરીય ૮૦મા સત્રમાં સામાન્ય ચર્ચામાં પોતાના પ્રવચનમાં ટ્રમ્પે આ વિશ્વ સંસ્થા(યુએન)ને પણ ઝાટકી નાખી હતી.

યુદ્ધોનો અંત લાવવા માટે મદદ કરવાનો પ્રયાસ કરવામાં પણ નિષ્ફળ જવા બદલ યુએનની ટ્રમ્પે ઝાટકણી કાઢી હતી. ટ્રમ્પે કહ્યું કે તેમણે જે યુદ્ધોનો અંત લાવવામાં મદદ કરી હતી તેમાંથી કેટલાક દાયકાઓથી ચાલી રહ્યા હતા! મેં સાત યુદ્ધોનો અંત આણ્યો, અને બધા કિસ્સાઓમાં તે ભયંકર હતા, જેમાં અસંખ્ય હજારો લોકો માર્યા ગયા. આમાં કંબોડિયા અને થાઇલેન્ડ, કોસોવો અને સર્બિયા, કોંગો અને રવાન્ડાનો સમાવેશ થાય છે – એક ક્રૂર, હિંસક યુદ્ધ જે પાકિસ્તાન અને ભારત, ઇઝરાયલ અને ઈરાન, ઇજિપ્ત અને ઇથોપિયા અને આર્મેનિયા અને અઝરબૈજાન હતું એમ ટ્રમ્પે કહ્યું હતું.

તેમાં બધાનો સમાવેશ થતો હતો. કોઈ રાષ્ટ્રપતિ કે વડા પ્રધાન, અને તે બાબતમાં, કોઈ અન્ય દેશે ક્યારેય આટલું કંઈ કર્યું નથી. અને મેં તે ફક્ત સાત મહિનામાં કર્યું. આવું પહેલાં ક્યારેય થયું નથી એમ ટ્રમ્પે કહ્યું! ૧૦ મેના રોજ, જ્યારે ટ્રમ્પે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી કે ભારત અને પાકિસ્તાન વોશિંગ્ટનની મધ્યસ્થી હેઠળ રાતની લાંબી વાટાઘાટો પછી સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થયા છે, ત્યારથી તેમણે લગભગ ૫૦ વખત પોતાનો દાવો પુનરાવર્તિત કર્યો છે કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવનો અંત લાવવામાં મદદ કરી છે. જો કે ભારત આનો ઇન્કાર કરતું આવ્યું છે. ભારત  સતત કહી રહ્યું છે કે બંને સૈન્યના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ વચ્ચે સીધી વાટાઘાટો બાદ પાકિસ્તાન સાથે લડાઇ બંધ કરવા અંગેની સમજૂતી થઈ હતી. પરંતુ આ વાતોને સાંભળ્યા વિના ટ્રમ્પ પોતાનો દાવો દોહરાવતા જ જાય છે.

યુએનની સામાન્ય સભા(યુએનજીએ)ને મંગળવારે પોતાના સંબોધનમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને પણ નિશાન બનાવ્યું. તેમણે કહ્યું હતું કે ચીન અને ભારત રશિયન ઓઇલની ખરીદી ચાલુ રાખીને યુક્રેન યુદ્ધના પ્રાથમિક ભંડોળ પુરુ પાડનારા બન્યા છે. જો કે ટ્રમ્પે પોતાના સાથી યુરોપિયન દેશોની પણ ટીકા કરી છે એટલું સારું છે. ચીન અને ભારત રશિયન તેલ ખરીદવાનું ચાલુ રાખીને ચાલી રહેલા યુદ્ધના મુખ્ય ભંડોળ આપનારા છે એમ ટ્રમ્પે યુએન જનરલ એસેમ્બલીના 80મા સત્રની સામાન્ય ચર્ચામાં એક કલાકથી વધુ લાંબા સંબોધનમાં કહ્યું હતું.

રશિયન ઓઇલની ખરીદી બદલ ટ્રમ્પે ભારત પર વધારાના ૨૫ ટકા ટેરિફ લાદ્યા છે. ભારતે અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફને અયોગ્ય અને ગેરવાજબી ગણાવ્યા છે. ટ્રમ્પે પોતાના સંબોધનમાં કહ્યું કે અક્ષમ્ય છે કે, નાટો દેશોએ પણ રશિયન ઉર્જા અને રશિયન ઉર્જા ઉત્પાદનો પર વધુ કાપ મૂક્યો નથી અને જ્યારે મને આ વાતની ખબર પડી ત્યારે હું આ વાતથી ખુશ નહતો. વિચારો, તેઓ પોતાની સામેના યુદ્ધને ભંડોળ પૂરું પાડી રહ્યા છે.

કોણે ક્યારેય આવું સાંભળ્યું છે? જો રશિયા યુદ્ધનો અંત લાવવા માટે કોઈ કરાર કરવા તૈયાર ન હોય, તો અમેરિકા ખૂબ જ મજબૂત ટેરિફ લાદવા માટે સંપૂર્ણપણે તૈયાર છે, જે રક્તપાતને ખૂબ જ ઝડપથી બંધ કરશે, મારું માનવું છે. ટ્રમ્પે કહ્યું કે તે ટેરિફ અસરકારક બનવા માટે, યુરોપિયન રાષ્ટ્રો, તમે બધા અહીં હમણાં ભેગા થયા છો, તેઓએ બરાબર એ જ પગલાં અપનાવવામાં અમારી સાથે જોડાવું પડશે. મારો મતલબ, તમે લક્ષ્યની ખૂબ નજીક છો. આપણી વચ્ચે એક સમુદ્ર છે, તમે ત્યાં જ છો, અને યુરોપે તેને આગળ વધારવું પડશે. તેઓ જે કરી રહ્યા છે તે કરી શકશે નહીં, તેઓ રશિયા સામે લડતી વખતે રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદી રહ્યા છે એમ ટ્રમ્પે કહ્યુ હતું. યુરોપિયન દેશોએ આ બંધ કરવું પડશે એમ ટ્રમ્પે કહ્યું.

ટ્રમ્પે યુએનની ટીકા કરવાની સાથો સાથ એમ પણ કહ્યું કે તેનામાં (યુએનમાં) ઘણી ક્ષમતાઓ છે, પણ આ ક્ષમતઓને સાર્થક કરવા તે કંઇ કરતું નથી. યુએન એક નકામી વિશ્વ સંસ્થા બની ગઇ છે એમ ટ્રમ્પે કહ્યું. પણ આ સંસ્થાને નકામીમાંથી ઉપયોગી બનાવવા માટે શું કરવું જોઇએ તેનો ટ્રમ્પે કોઇ ફોડ પાડ્યો નહીં. ખરેખર તો તેમનું મન ચોખ્ખું હોય તો તેમણે યુએનમાં વીટો પ્રથાનો અંત લાવવાની અને લોકશાહી રીતે  બહુમતિથી નિર્ણયો લેવાય તેવી વાત કરવી જોઇએ પણ તેવું કશું તેઓ બોલ્યા નહીં, કારણ કે અમેરિકાને મળેલો વીટો પાવર તે શા માટે જતો કરે?! ટ્રમ્પને યુએનમાં સુધારા જોઇએ છે, પણ તે પોતાને અનુકૂળ આવે તે મુજબના જોઇએ છે!

Most Popular

To Top