પરિવારજનો ધ્વારા શાળા પર ગંભીર બેદરકારીના આરોપ લગાવાયા
દાહોદ તા 26 વિનોદ પંચાલ
દાહોદના ગોધરા રોડ પર આવેલી શ્રી સ્વામી વિવેકાનંદ જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસીડેન્શીયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ (શ્રી સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત) શાળામાં 8 માં ધોરણમાં ભણતી બલૈયા ગામની વિધાર્થિનીનું સારવાર દરમિયાન મૃત્યુ થતા પરિવારજનો દ્રારા શાળા પર ગંભીર બેદરકારીના આરોપ લગાવાયા છે.

મુળ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના બલૈયા ગામે રહેતી અને હાલમાં દાહોદની સ્વામી વિવેકાનંદ જ્ઞાનશક્તિ ટ્રાઇબલ શાળામાં ભાભોર ધર્મિષ્ઠા નટવરભાઈ ધોરણ 8 માં અભ્યાસ કરતી હતી. એક દિવસ પહેલા બાળકીની તબિયત ખરાબ થતાં તેને વોર્ડન દ્વારા ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજતા મામલો ગંભીર બન્યો હતો.

શાળાના આચાર્યના જણાવ્યા મુજબ, તેની તબિયત ખરાબ થતા તેને ઝાયડસ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી અને પરિવારને જાણ કરાતા તેઓ પણ ઝાયડસ હોસ્પિટલ ખાતે આવી ગયા હતા. પરિવારજનોની હાજરીમાં સારવાર ચાલી રહી હતી ત્યારે બાળકીનું મૃત્યુ થયું હતું.
ત્યારે પરિવારજનોના ગંભીર આરોપો અને પ્રતિક્રિયા સામે આવી હતી. જેમાં સુખસર ખાતેથી આવેલા પરિવારજનોએ શાળા પર બાળકીને મારી નાખવાના ગંભીર આરોપો લગાવ્યા હતા.
પરિવારજનોએ આરોપ લગાવ્યો કે બાળકી બીમાર હોવાનો ફોન આવ્યો ત્યારે તેઓ ઝાયડસ પહોંચ્યા હતા, પરંતુ શાળાના સ્ટાફે તેમને વ્યવસ્થિત જવાબ આપ્યો ન હતો.
તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે આ મૃત્યુ શાળાની ગંભીર બેદરકારીના કારણે થયું છે.
પરિવારજનો અને દાહોદ આદિવાસી પરિવારના સભ્યોએ ન્યાયની માગ સાથે શાળા ખાતે વિરોધ કર્યો હતો.મામલો વધુ ન વણસે તે માટે પોલીસને જાણ કરવામાં આવતાં એ ડિવિઝન અને મહિલા પોલીસની ટીમ શાળા ખાતે પહોંચી હતી.
પરિવારજનોએ હોસ્ટેલમાં બાળકીના રૂમ, પલંગ અને બાથરૂમમાં પણ તપાસ કરી હતી, જેના કારણે વોર્ડન અને પરિવારજનો વચ્ચે બોલાચાલીના દ્રશ્યો પણ સર્જાયા હતા.
બાળકીના મૃતદેહને પીએમ (પોસ્ટમોર્ટમ) અર્થે ઝાયડસ હોસ્પિટલના પીએમ રૂમમાં મૂકવામાં આવ્યો છે. પીએમ રિપોર્ટ દ્વારા બાળકીના મોતના ચોક્કસ કારણો જાણવા મળશે.
આ મામલે પોલીસ ફરિયાદ આપવાની કાર્યવાહી ચાલી રહી છે, અને પોલીસ તપાસ બાદ જ વધુ વિગતો બહાર આવશે.
વધુ તપાસ અને પીએમ રિપોર્ટ બાદ જ બાળકીના મૃત્યુનું સાચું કારણ અને શાળાની બેદરકારી અંગેની હકીકતો જાણી શકાશે.