રૂ.50 હજારના સદ્ધર નવા જામીન પર બનાવવા માટે પણ હુકમ
પ્રતિનિધિ વડોદરા તા.25
વડોદરાના ગોઝારી ઘટના હરણી બોટ કાંડના મુખ્ય આરોપી પરેશ શાહે બહાર આવ્યાં બાદ જામીનની શરતોનું ઉલ્લંઘન કરી રાજ્યની હદ બહાર જતો રહ્યો હતો. જેથી કોર્ટ દ્વારા કડક ચેતવણી સાથે 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે તથા રૂ.50 હજારના સદ્ધર નવા જામીન કરવા માટે પણ હુકમ કર્યો છે.
વડોદરા શહેરના હરણી બોટ દુર્ઘટનામાં 12 જેટલા નિર્દોષ બાળકો અને બે શિક્ષિકાઓએ જીવ ગુમાવ્યો હતો. ત્યારે સમગ્ર ગુનામાં મુખ્ય આરોપી પરેશ શાહે જામીનની શરતોનો ભંગ કરીને રાજ્યની હદ બહાર જતો રહ્યો હતો. ત્યારે કોર્ટ દ્વારા પરેશ શાહ ઝાટકણી કાઢીને ચેતવણી સાથે રૂ. 10 હજારનો દંડ કરવામાં આવ્યો છે. હરણી બોટ કાંડના આરોપી પરેશ શાહ ભલે જામીન પર છૂટકારો થયો હોય પરંતુ હાઈકોર્ટની શરતો મુજબ તેને ગુજરાતની હદ છોડવા પર મનાઇ ફરમાવાઇ હતી. પરંતુ આરોપી પોતાની પત્ની સાથે રાજસ્થાનના નાથદ્વારા ખાતે ગયો હતો અને ત્યાં જ રોકાયો હોવાનું પોલીસની તપાસ તેમજ મહેમાન ખાનાના રજીસ્ટર, પેમેન્ટ રસીદો અને સાક્ષીઓના નિવેદન પરથી પુરવાર થયું હતું. જેના પગલે સેશન્સ કોર્ટ આરોપી પરેશ શાહને રૂ.10 હજારનો દંડ ફટકાર્યો છે તેમજ રૂ 50 હજારના નવા સધ્ધર જામીન જમા કરાવવા માટેનો હુકમ કરાયો છે. ઉપરાંત જો ભવિષ્યમાં કોર્ટની શરતોનો ભંગ થશે તો જામીન રદ કરી સીધા કસ્ટડીમાં લઈ લેવામાં આવશે તેવી સખત શબ્દો ચેતવણી આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા શહેર માટે 18 જાન્યુઆરી 2024ના રોજ વડોદરા હરણી બોટ દુર્ઘટનામાં વાઘોડિયા રોડની ન્યૂ સનરાઇઝ સ્કૂલનાં 12 બાળકો અને 2 શિક્ષિકાના હોડી પલટી જતા ડૂબી જવાના કારણથી કરૂણ મોત નીપજ્યાં હતાં. ત્યારે આ ચકચારી ઘટનાના પગલે વડોદરા શહેર જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી ગયો હતો. આ બનાવમાં ક્રાઇમ બ્રાન્ચે એક પછી એક 18 આરોપીઓની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલ્યાં હતા.