*લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબા મેદાન પરના ફૂડ કોર્ટ ખાતે પાણીની રૂ.20 ની બોટલના રૂ.50 વસૂલતા સ્ટોલ ધારકો સામે ખેલૈયાઓએ આક્રોશ વ્યક્ત કર્યો*
*લોકોએ ગુસ્સામાં પાણીના સ્ટોલ પર ટેન્ટ પણ ખેંચી નાખ્યો*
(પ્રતિનિધિ) વડોદરા તા. 24
નવરાત્રિ પર્વના બીજા નોરતે લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબા મેદાન પરના પાણીના સ્ટોલ ધારકો દ્વારા રૂ.20 ની પાણીની બોટલના રૂ.50 વસૂલતા ગરબા ખેલૈયાઓએ હોબાળો મચાવ્યો હતો.

લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબાના મેદાન પર મોંઘુ ભાડું વસૂલી આયોજકો દ્વારા ફૂડ તથા પાણીના સ્ટોલ ભાડેથી આપવામાં આવ્યા છે. જ્યાં ફૂડ અને પાણીના સ્ટોલ ધારકો ગરબા ખેલૈયાઓ પાસેથી બજાર કિંમત કરતાં વધુ રકમ વસૂલી રહ્યા છે. બીજા નોરતે લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબામાં ગરબા રમવા માટે મોટી સંખ્યામાં ગરબા રસિકો ગયા હતા. જ્યાં ગરબાના બ્રેક દરમિયાન કેટલાક ગરબા ખેલૈયાઓ તરસ લાગતાં પાણીના સ્ટોલ પર પાણીની બોટલ ખરીદવા માટે ગયા હતા. જ્યાં પાણીની બજારમાં રૂ.20 ની કિમતે મળતી બોટલના સ્ટોલ ધારકો દ્વારા રૂ.50 વસૂલવામાં આવતા ગરબા ખેલૈયાઓએ ભારે હોબાળો મચાવ્યો હતો અને સ્ટોલ ધારકો દ્વારા લૂંટ ચલાવવામાં આવી રહી હોવાના આક્ષેપો સાથે રોષ ઠાલવ્યો હતો.

આ દરમિયાન લોકોને સ્ટોલ ધારકો દ્વારા રૂ.50 માં જ પાણીની બોટલ ખરીદવી હોય તો મળશે એથી ઓછામાં નહીં મળે તેમ જણાવતાં જ ગરબા ખેલૈયાઓનો આક્રોશ ચરમસીમાએ પહોંચી ગયો હતો અને પાણીના સ્ટોલ પરનો મંડપ ખેંચી નાખ્યો હતો.

ખેલૈયાઓએ આક્ષેપો કર્યા હતા કે, પાવાગઢમાં પણ ઉચાઇ પર પાણીની બોટલ રૂ.30 માં મળતી હોય છે. જે સ્વાભાવિક રીતે સમજી શકાય કે આટલી ઉંચાઈ પર સામાન લઈ જવાની મજૂરી,ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પર વેપારી પાંચ દસ રૂપિયા વધુ લે. પરંતુ અહીં તો એવું કંઈ નથી છતાં દોઢ થી ત્રણ ગણું મન ફાવે તે રીતે સ્ટોલ ધારકો વસૂલાત કરી એક રીતની રીતસર લૂંટ ચલાવી રહ્યા છે. ગરબા સંચાલકોએ ઉઘાડી લૂંટની છૂટ આપી છે અને સરકારી તંત્ર આ લૂંટ રોકવા કોઈ પ્રયાસ કરી રહ્યું નથી.