NEWSFLASH

નેપાળ હિંસામાં દાઝી ગયેલા ભૂતપૂર્વ વડા પ્રધાનના પત્નીની હાલત ગંભીર, દિલ્હી ખસેડાયા

નેપાળમાં Gen-Z આંદોલન દરમિયાન થયેલી હિંસા દરમિયાન ભૂતપૂર્વ વડા પ્રધાન ઝાલાનાથ ખનાલની પત્ની રવિ લક્ષ્મી ચિત્રકર ગંભીર રીતે દાઝી ગઈ હતી. કાઠમંડુમાં સારવાર પછી હવે તેમને વધુ સારું સારવાર માટે નવી દિલ્હી રેફર કરવામાં આવ્યા છે.

નેપાળમાં Gen-Z આંદોલનથી ફાટી નીકળેલી હિંસા દરમિયાન તા. 9 સપ્ટેમ્બરના રોજ કાઠમંડુના દાલુ વિસ્તારમાં ઝાલાનાથ ખનાલના ઘર પર ટોળાએ હુમલો કર્યો હતો. આ હુમલા બાદ ઘર સળગી ઉઠ્યું અને તેમાં ખનાલની પત્ની રવિ લક્ષ્મી ચિત્રકર આગની ઝપેટમાં આવી ગઈ હતી. આગમાં તેમના શરીરના લગભગ 15 ટકા ભાગ દાઝી ગયા હતા.

શરૂઆતમાં તેમને કાઠમંડુના કીર્તિપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ જણાવ્યું કે તેમનો ડાબો હાથ સંપૂર્ણપણે બળી ગયો છે. આગના ધુમાડાથી તેમના ફેફસાં પર ગંભીર અસર થઈ અને છાતીમાં ચેપ લાગ્યો. છેલ્લા કેટલાક દિવસોથી તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. પરંતુ તબિયત વધુ બગડતા ડોક્ટરોની ભલામણ પર તેમને નવી દિલ્હી રેફર કરવામાં આવ્યા છે.

રવિ લક્ષ્મી ચિત્રકરની હાલત હાલમાં ગંભીર છે અને તેમને વિશેષ તબીબી સારવાર આપવામાં આવી રહી છે. પરિવારજનોએ જણાવ્યું છે કે તેમના ફેફસાંમાં ચેપને કારણે તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી છે.

Gen-Z આંદોલનનો પરિપ્રેક્ષ્ય
નેપાળમાં Gen-Z (1997 થી 2012 વચ્ચે જન્મેલા યુવાનો) આંદોલન સોશિયલ મીડિયા પર લગાવાયેલા પ્રતિબંધ સામે શરૂ થયું હતું. આંદોલન ઝડપથી હિંસક બની ગયું અને વિરોધીઓએ સંસદ સહિત અનેક સરકારી ઇમારતો પર હુમલો કર્યો હતો. હિંસામાં ભૂતપૂર્વ વડા પ્રધાન કેપી ઓલીનું ઘર પણ સળગાવી દેવામાં આવ્યું હતું.

ઝાલાનાથ ખનાલ જેમણે 2011માં નેપાળના વડા પ્રધાન તરીકે સેવા આપી હતી. આ વિવાદમાં તેમના ઘરને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું. આ હુમલામાં તેમની પત્ની ગંભીર રીતે ઘાયલ થઈ હતી.

હાલમાં નેપાળમાં નવા વચગાળાના વડા પ્રધાન સુશીલા કાર્કીએ સત્તા સંભાળી છે અને પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે. તેમ છતાં આ હિંસા દેશની રાજનીતિ અને સામાજિક જીવન પર ઊંડા ઘા છોડી ગઈ છે.

ભારતમાં સારવાર શરૂ થતા હવે ખનાલ પરિવાર આશા વ્યક્ત કરી રહ્યો છે કે રવિ લક્ષ્મી ચિત્રકર વહેલી તકે સાજા થશે. તબીબોનું કહેવું છે કે તેમની સારવાર લાંબી ચાલવાની શક્યતા છે. કારણ કે દાઝેલા ભાગ સિવાય ફેફસાં પર થયેલી અસર ગંભીર છે.

Most Popular

To Top