હરિયાણાના હિસારમાં રવિવાર તા.21 સપ્ટેમ્બરના રોજ વાયુસેનાની સૂર્યકિરણ ટીમે મહારાજા અગ્રસેન એરપોર્ટ પર ભવ્ય એર શો રજૂ કર્યો. આ કાર્યક્રમમાં હજારો લોકો હાજર રહ્યા અને આકાશમાં બનાવાયેલા દૃશ્યોને જોઈ તાળી વગાડીને પ્રશંસા કરી હતી.
કાર્યક્રમની શરૂઆત નવ હોક ટી-1 વિમાનો સાથે થઈ હતી. પાઇલટ્સે એકસાથે ઉડાન ભરીને ધુમાડાથી તિરંગાનો આકાર બનાવ્યો હતો જે મુખ્ય આકર્ષણ બન્યો. ત્યારબાદ વિમાનો એક પછી એક ત્રણ અને બેના સેટમાં એરોબેટિક્સ કરતા જોવા મળ્યા. ખાસ કરીને હવામાં દિલ (હાર્ટ)ના આકારનું નિર્માણ પ્રેક્ષકોને ખૂબ ગમ્યું.

એર શો દરમિયાન સૂર્યકિરણ ટીમે અનેક અનોખી ફોર્મેશન બનાવી હતી. તેમાં યુવાનોને સમર્પિત “Y” ફોર્મેશન ખાસ રહી છે. પાઇલટ્સે 150 કિમી પ્રતિ કલાકથી લઈને 650 કિમી પ્રતિ કલાકની ઝડપે સ્ટન્ટ્સ કર્યા. આ બધું ખૂબ જ કુશળતા અને તાલીમનો પરિચય આપતું હતું. સેનાના જણાવ્યા અનુસાર આવા શોના હેતુ યુવાનોને એરફોર્સમાં જોડાવા માટે પ્રેરિત કરવાનો છે.
આ પ્રસંગે હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સૈની મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. તેમણે ભારતીય વાયુસેના અને તેના પાઇલટ્સની બહાદુરી અને શિસ્તની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે સૂર્યકિરણ ટીમનો આ શો ફક્ત અખંડ ભારતની શક્તિને જ રજૂ કરતો નથી પરંતુ શિસ્ત, ટીમવર્ક અને દેશપ્રેમનો સંદેશ પણ આપે છે.

આ એર શોએ હિસારના લોકો માટે એક યાદગાર ક્ષણો આપી છે. જ્યાં આકાશમાં દેશપ્રેમનો તિરંગો અને હાર્ટ શેપ જોઈને પ્રેક્ષકો પોતાના દેશની વાયુ સેના પર ગર્વ અનુભવતા હતા.