અલકાપુરી ક્લબ ખાતે વહેલી સવારથી પાસ લેવા ઉભેલા ખેલૈયાઓએ પિત્તો ગુમાવ્યો :
( પ્રતિનિધી )વડોદરા,તા.21
વડોદરા શહેરમાં આયોજિત મોટા ગરબા યુનાઇટેડ વે દ્વારા અલકાપુરી ક્લબ ખાતેથી આજે પાસનું વિતરણ કરવામાં આવતા મોટી માત્રામાં ખેલૈયાઓ ઉમટી પડતા અવ્યવસ્થા સર્જાઇ હતી. કલાકો સુધી લાઈનમાં ઊભા રહેલા ખેલૈયાઓએ પોતાનો પિત્તો ગુમાવ્યો હતો અને મુખ્ય દરવાજાના કાચની તોડફોડ પણ કરી હતી.
વડોદરા શહેરમાં યુનાઇટેડ વે ગરબા મહોત્સવના આયોજકો ફરી વિવાદમાં આવ્યા છે. ગરબા ખેલૈયાઓને પાસ આપવામાં પહોંચી નહીં વળતા આજરોજ અલકાપુરી ક્લબ ખાતે ખેલૈયાઓને પાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. જોકે આ દરમિયાન વહેલી સવારથી જ શહેર અને જિલ્લામાંથી દૂર દૂરથી આવેલા ખેલૈયાઓ કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા હતા.
જ્યારે બીજી તરફ અવ્યવસ્થા સર્જાઇ હતી. પાસ કાઢવા માટે માત્ર એક જ મશીન મૂકવામાં આવતા ખેલૈયાઓએ પોતાનો પિત્તો ગુમાવ્યો હતો મેનેજમેન્ટ સાથે ઉગ્ર રજૂઆત બાદ મુખ્ય દરવાજાની કાચની તોડફોડ કરી હતી.
યુવાનોએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. જ્યારે આ કરાયેલી તોડફોડમાં એક મહિલા સહિત ત્રણ વ્યક્તિઓને ઇજાઓ થઈ હતી. જેમને તાત્કાલિક 108 મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
જ્યારે કેટલાક ખેલૈયાઓ દ્વારા પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરી પોલીસ બોલાવી લેવામાં આવી હતી. પાંચ વિતરણમાં જેને પહેલેથી જ બારકોડ આપી દેવામાં આવ્યા છે તેઓને અહીંયાથી જવા માટે કહેવામાં આવ્યું હતું. જ્યારે જેને બારકોડ મળ્યા નથી તેવા ખેલૈયાઓને વારાફરથી બોલાવી પાસ આપવામાં આવી રહયા છે.
જોકે જોકે ઊંચો ચાર્જ આપવા છતાં પણ યોગ્ય સુવિધા નહીં મળતા આજે ખેલૈયાઓએ મેનેજમેન્ટ સામે પોતાનો બળાપો કાઢ્યો હતો.