બિહારમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં મુખ્યમંત્રી નીતિશ કુમારે વિકાસ મિત્ર અને શિક્ષણ કાર્યકરો માટે મોટી જાહેરાત કરી છે. સરકારના આ નિર્ણયથી રાજ્યમાં ખુશીની લહેર છે. વિકાસ મિત્રોને હવે ટેબ્લેટ ખરીદવા માટે રૂ. 25,000 આપવામાં આવશે. જ્યારે શિક્ષણ કાર્યકરોને સ્માર્ટફોન ખરીદવા માટે રૂ. 10,000ની સહાય આપવામાં આવશે.
વિકાસ મિત્ર માટે વધારાના લાભ
નીતીશ કુમાર સરકારે સ્પષ્ટ કર્યું કે બિહાર મહાદલિત વિકાસ મિશન હેઠળ કામ કરતા દરેક વિકાસ મિત્રને ટેબ્લેટ માટે રૂ. 25,000 આપવામાં આવશે. આથી તેઓ વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને લાભાર્થીઓનો ડેટા સરળતાથી સંભાળી શકશે.
સાથે જ વિકાસ મિત્રોના પરિવહન ભથ્થામાં પણ વધારો કરવામાં આવ્યો છે. હવે તેમને દર મહિને રૂ. 1,900ની જગ્યાએ રૂ. 2,500 મળશે. સ્ટેશનરી ભથ્થું પણ રૂ. 900થી વધારીને રૂ. 1,500 કરવામાં આવ્યું છે. આ બદલાવથી તેઓને ક્ષેત્ર મુલાકાતો અને દસ્તાવેજી કાર્યમાં સરળતા રહેશે.
શિક્ષણ કાર્યકરો માટે સહાય
અક્ષર આંચળ યોજના હેઠળ કામ કરતા શિક્ષણ કાર્યકરોને પણ સરકાર દ્વારા મહત્વની ભેટ આપવામાં આવી છે. મહાદલિત, દલિત, લઘુમતી અને અત્યંત પછાત વર્ગના બાળકોને શિક્ષણ આપતા શિક્ષણ કાર્યકરોને હવે સ્માર્ટફોન ખરીદવા માટે રૂ. 10,000 આપવામાં આવશે. આ સ્માર્ટફોનથી તેઓ ડિજિટલ પ્રવૃત્તિઓ સરળતાથી કરી શકશે.
શિક્ષણ સામગ્રી માટે મળતી રકમમાં પણ વધારો થયો છે. અત્યાર સુધી પ્રતિ કેન્દ્ર દર વર્ષે રૂ. 3,405 મળતા હતા. જે હવે વધારીને રૂ. 6,000 કરવામાં આવ્યા છે. આ પગલાથી બાળકોને વધુ સારી શિક્ષણ સુવિધા મળી રહેશે.
નીતિશ કુમારનો સંદેશ
મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું કે “ન્યાય સાથે વિકાસના સિદ્ધાંતને અનુસરીને અમારી સરકાર સમાજના વંચિત વર્ગોના ઉત્થાન માટે સતત કાર્યરત છે. વિકાસ મિત્ર અને શિક્ષણ કાર્યકરો રાજ્યની યોજનાઓને લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. તેથી જ તેમને ટેક્નોલોજી સાથે સશક્ત બનાવવાનો આ નિર્ણય લેવાયો છે.”
રાજ્યમાં વિધાનસભા ચૂંટણી નજીક આવતાં નીતિશ કુમારની આ જાહેરાતને રાજકીય રીતે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. સરકારના આ નિર્ણયથી હજારો વિકાસ મિત્ર અને શિક્ષણ કાર્યકરોને સીધી મદદ મળશે, જે તેમના કાર્યમાં ઉત્સાહ અને ગતિ લાવશે.