યુરોપના ઘણા દેશોના એરપોર્ટ પર મોટા સાયબર હુમલો થયો છે. આજે તા. 20 સપ્ટેમ્બરને શનિવારે બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સ, બ્રિટિશ રાજધાની લંડનમાં હીથ્રો એરપોર્ટ અને જર્મનીની રાજધાની બર્લિન જેવા મુખ્ય યુરોપિયન એરપોર્ટ પર સેંકડો ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે. આમાંથી મોટાભાગની ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી તો કેટલીક મોડી પડી. આ સાયબર હુમલામાં ચેક-ઇન અને બોર્ડિંગ સિસ્ટમ ચલાવતી સિસ્ટમને નિશાન બનાવવામાં આવી છે.
માહિતી મુજબ આ સાયબર હુમલો કોલિન્સ એરોસ્પેસ પર થયો છે. આ કંપની વિશ્વભરના એરપોર્ટ પર અનેક એરલાઇન્સને ચેક-ઇન અને બોર્ડિંગ માટે જરૂરી સિસ્ટમ્સ પૂરી પાડે છે. સાયબર હુમલા પછી કંપનીની તમામ ટેકનિકલ સિસ્ટમ બંધ થવાથી મુસાફરોને ચેક-ઇન પ્રક્રિયામાં મુશ્કેલી પડી રહી છે.
હીથ્રો એરપોર્ટે મુસાફરોને સત્તાવાર રીતે જણાવ્યુ હતું કે અનેક ફ્લાઇટ્સ મોડી પડવાની શક્યતા છે. મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ એરપોર્ટ પર આવતાં પહેલાં પોતાની એરલાઇન સાથે સંપર્ક કરે અને ફ્લાઇટની સ્થિતિ ચકાસે.
ફક્ત હીથ્રો જ નહીં પરંતુ બ્રસેલ્સ એરપોર્ટ અને બર્લિન એરપોર્ટ પણ આ હુમલાથી પ્રભાવિત થયા છે. બંનેના એરપોર્ટ સંચાલકોએ અલગ અલગ નિવેદનમાં જણાવ્યું છે કે સિસ્ટમ ખામીઓને કારણે કામગીરી ધીમી પડી છે અને મુસાફરોને રાહ જોવી પડી રહી છે.
આ હુમલાને કારણે હજારો મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. એરલાઇન્સે જણાવ્યું છે કે તેઓ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે મેન્યુઅલ પ્રક્રિયાનો સહારો લઈ રહ્યા છે. જોકે જો સિસ્ટમ વહેલી તકે પુનઃસ્થાપિત નહીં થાય તો આવનારા કલાકોમાં વધુ ફ્લાઇટ્સ અસરગ્રસ્ત થઈ શકે છે.
સાયબર સુરક્ષા નિષ્ણાતો કહે છે કે વૈશ્વિક સ્તરે એરપોર્ટ જેવા મહત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર થતા આવા હુમલા ગંભીર ચેતવણી સમાન છે. હાલ સંબંધિત દેશોની સાયબર સિક્યોરિટી એજન્સીઓ અને કોલિન્સ એરોસ્પેસની ટીમ તપાસમાં લાગી ગઈ છે