ગેસ વિભાગની ટીમે દોડી આવી ત્વરિત કામગીરી હાથધરી
સદ્ નસીબે કોઈ જાનહાની થતા તળી હતી


( પ્રતિનિધી )વડોદરા,તા.20
વડોદરા શહેરના સુસેન રોડ ઉપર આનંદ બાગ પાસે મુખ્ય માર્ગ ઉપરથી પસાર થતી ગેસની લાઈનમાં અચાનક લીકેજ થતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી બનાવની જાણ કરવામાં આવતા જ ગેસ વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ત્વરિત કામગીરી હાથ ધરી હતી.


સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં વિકાસના નામે ઠેર ઠેર ખાડા ખોદવામાં આવી રહ્યા છે. જોકે આ કામગીરી દરમિયાન ઘણી વખત ગેસ, પાણી અને ડ્રેનેજની લાઈનોમાં ભંગાણ સર્જાવાની અગાઉ અનેક વખત ઘટનાઓ બની ગઈ છે. તેવામાં આજરોજ વડોદરા શહેરના સુસેન રોડ ઉપર મકરપુરા તરફ જતા આનંદબાગ પાસે ગેસ લીકેજ થવાની ઘટના બની હતી. આનંદ બાગ પાસે મુખ્ય માર્ગ ઉપર થી પસાર થઈ રહેલી ગેસની પાઇપલાઇનમાં અચાનક ભંગાણ થતા ગેસ લીકેજ થતા અફરાતફરી મચી ગઈ હતી. વિસ્તારના સ્થાનિક રહીશ દ્વારા આ અંગેની જાણ કરવામાં આવતા તાત્કાલિક વડોદરા ગેસ લિમિટેડની ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પરિસ્થિતિ સંભાળી હતી. જોકે ગેસની લાઈનમાં લીકેજ થયા બાદ કામગીરી હાથ ધરવામાં આવતા વિસ્તારમાં થોડા સમય માટે ગેસ પુરવઠો ખોરવાયો હતો. કામગીરી પૂર્ણ થયા બાદ ફરી ગેસ પુરવઠો કાર્યરત કરી દેવામાં આવ્યો હતો. ગેસ વિભાગના અધિકારી જીગરભાઈ વ્યાસે જણાવ્યું હતું કે અહીંના સ્થાનિક દ્વારા અમને ટેલીફોનિક માહિતી આપવામાં આવી હતી કે ગેસ લીકેજ થયો છે. જેથી 10 થી 15 મિનિટમાં અમારી ગાડી અહીં આવી ગઈ હતી અને તરત કામગીરી ચાલુ કરી છે. આ નેચરલ પાઇપલાઇન ગેસ છે. લાઈનની આસપાસનો જે વાલ છે જેના થકી આ ગેસનો સપ્લાય થઈ રહ્યો છે. એટલે અમે આઇસોલેશન વાલ્વ બંધ કરી દીધા છે. જેથી મોટી દુર્ઘટના ન થાય. આ ગેસની લાઈન ગાજરાવાડીથી આવે છે અને અહીંના આસપાસના એરિયામાં જાય છે એમડીપી પાઇપ લાઇન છે.