Charotar

બોરસદની મહિલા પર અમેરિકામાં અંધાધૂંધ ગોળીબાર , ઘટનાસ્થળે જ આઠ ગોળી વાગવાથી મોત


બોરસદના સિગલાવ ગામના વતની કિરણબેન પટેલ અમેરિકામાં પોતાના સ્ટોર પર એકલા હતા તે વખતે બુકાનીધારીએ સ્ટોરમાં ઘુસી આડેધડ ફાયરિંગ કર્યું
(પ્રતિનિધિ) આણંદ તા 19
બોરસદ તાલુકાના વતની અને અમેરિકામાં છેલ્લાં 23 વર્ષથી વસવાટ કરતી મહિલાની તેની દુકાનમાં એક બુકાનીધારી યુવકે ગોળી મારી હત્યા કરી નાંખી છે.

બોરસદ તાલુકાના સિગલાવ ગામના વતની કિરણબેન પટેલ 23 વર્ષ અગાઉ પરિવાર સાથે અમેરિકા ગયાં હતાં અને ત્યાં સાઉથ કેરોલીના ખાતે સ્થાયી થયાં હતાં. 49 વર્ષીય કિરણબેન પટેલ સાઉથ કેરોલીના સ્થિત યુનિયન કાઉન્ટી ખાતે ગેસ સ્ટેશન કમ સ્ટોર ચલાવતાં હતાં. તેઓ ગત તારીખ 16 સપ્ટેમ્બર ને મંગળવારના રોજ રાત્રીના સાડા દશ વાગ્યાના અરસામાં સ્ટોર પર એકલાં હતાં અને સ્ટોર બંધ કરી ઘરે જતાં પૂર્વે દિવસભર થયેલી કમાણીની રકમની ગણતરી કરી રહ્યાં હતાં.
તે વખતે એક બુકાનીધારી શખ્સ હાથમાં બંદુક લઈને એકાએક સ્ટોરમાં ઘુસ્યો હતો. કિરણબેન કંઈ સમજે વિચારે તે પહેલાં જ તેણે નજીક જઈ ફાયરિંગ શરૂ કર્યું હતું. જે તે વખતે કિરણબેન ત્યાં કાઉન્ટર પર પડેલી ખાલી બોટલ આ બુકાનીધારી શખ્સ પર ફેંકી, સ્ટોરની બહાર નીકળી ગયાં હતાં.
આ બુકાનીધારી શખ્સ કિરણબેનની પાછળ અંધાધૂંધ ફાયરિંગ કરતો સ્ટોરની બહાર ગયો હતો. આ અંધાધૂંધ ફાયરિંગમાં ગોળી વાગવાથી કિરણબેન ફસડાઈને જમીન પર પટકાયાં હતાં. આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા કિરણબેનનું કરુણ મોત નિપજ્યું છે. જેને પગલે કિરણબેનના પરિવારજનો તેમજ અમેરિકામાં વસવાટ કરતાં ગુજરાતી સમાજમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે.
કિરણબેનને બે સંતાનો છે. જેમાં પુત્ર યુ.કે તેમજ પુત્રી કેનેડામાં રહે છે. તારીખ 20 સપ્ટેમ્બર ના રોજ સવારે 11 કલાકે અમેરિકા ખાતે આ કિરણબેનના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

Most Popular

To Top