વડોદરામાં આગામી સોમવારથી શરૂ થતી ચૈત્ર નવરાત્રીને લઈને સરકારી તંત્ર સાથે ગરબા આયોજકોની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. કલેકટર અને પોલીસ કમિશનર બાદ આજે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ મોટા ગરબા આયોજકો સાથે બેઠક કરી હતી. બેઠકમાં કમિશનરે જણાવ્યું કે ગરબા ગ્રાઉન્ડ પર સ્વચ્છતા જળવાઈ રહે એ માટે ખાસ ધ્યાન આપવું પડશે. હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનને અનુરૂપ સ્વચ્છતા પખવાડિયું ચાલી રહ્યું છે, તેથી દરેક ગરબા ગ્રાઉન્ડ તથા તેની આજુબાજુ સ્વચ્છતા જળવાઈ રહે તે માટે આયોજન જરૂરી છે. સાથે સાથે ગ્રીન નવરાત્રી અને ક્લીન નવરાત્રી અંતર્ગત આયોજકો જોડાય તેવું સૂચન આપવામાં આવ્યું. મહત્વપૂર્ણ સૂચનોમાં કમિશનરે ખાસ કરીને મહિલાઓની સુરક્ષા પર ભાર મૂક્યો. ગરબા સમય મર્યાદામાં પૂર્ણ થવા જોઈએ, ગ્રાઉન્ડમાં સીસીટીવી કેમેરા અને સુરક્ષા વ્યવસ્થા તૈનાત કરવી રહેશે.
વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપવા માટે ગ્રાઉન્ડ ખાતે સ્વદેશી ચીજ વસ્તુઓને પ્રાથમિકતા આપવી, તેમજ મહિલા મંડળો દ્વારા બનાવવામાં આવેલા ઉત્પાદનોને સ્થાન આપવું. આ ઉપરાંત “એક પેડ મા કે નામ” યોજના અંતર્ગત સ્ટોલ ઉભા કરી વૃક્ષારોપણ માટે પ્રોત્સાહિત કરવાની વાત પણ થઈ. ગરબામાં ખેલાડી મહિલાઓને પાસમાં વિશેષ રાહત આપવાની રહેશે. ફૂડ કોર્ટમાં ફૂડ સેફ્ટી ઓફિસર તૈનાત કરી ખાદ્ય પદાર્થની ગુણવત્તા જાળવવી. હોસ્પિટલ સાથે જોડાણ કરી મેડિકલ ટીમ હાજર રાખવી. બ્લેક સ્પોટ ન રહે તે માટે પૂરતું લાઇટિંગ કરાવવું, સ્ટ્રીટ લાઈટ તાકીદે ચાલુ કરાવવાની રહેશે. ફાયર, પોલીસ અને મનોરંજન સહિતની જરૂરી પરવાનગીઓ સમયસર લેવી પડશે. સ્વચ્છતા માટે વેસ્ટ મેનેજમેન્ટનું સારી રીતે કરનાર આયોજકોને પુરસ્કાર આપવામાં આવશે. પાર્કિંગ માટે યોગ્ય વ્યવસ્થા કરવાની રહેશે. ખેલૈયા અને દર્શકોને સ્વચ્છતાનો શપથ લેવડાવવાનો રહેશે. જાહેર ગરબા ગ્રાઉન્ડની આજુબાજુના દબાણો દૂર કરાવવાની કામગીરી પણ હાથ ધરાશે.