જનરલ-ઝેડ ચળવળ બાદ નેપાળમાં રાજકીય અસ્થિરતા વધી હતી. આંદોલન હિંસક બન્યા બાદ નેપાળના વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ તા.9 સપ્ટેમ્બરના રોજ રાજીનામું આપ્યું હતું. રાજીનામા પછી તેઓ તરત જ કાઠમંડુની ઉત્તરે આવેલા શિવપુરી જંગલ વિસ્તારની લશ્કરી બેરેકમાં ખસેડાયા હતા. જ્યાં તેઓ નવ દિવસ સુધી સૈન્ય સુરક્ષા હેઠળ રહ્યા હતા. હવે નેપાળ સેનાએ પુષ્ટિ કરી છે કે ઓલીને સૈન્ય સુરક્ષામાંથી બહાર કાઢીને ખાનગી નિવાસસ્થાને મોકલવામાં આવ્યા છે.
સુશીલા કાર્કી વડા સાથે વચગાળાની સરકાર
કેપી ઓલીના રાજીનામા બાદ નેપાળમાં એક વચગાળાની સરકારની રચના થઈ છે. જેના વડા સુશીલા કાર્કી છે. તાજેતરમાં થયેલી જનરલ-ઝેડ ચળવળને કારણે દેશભરમાં હિંસક પ્રદર્શન ફાટી નીકળ્યા હતા. જેના દબાણ હેઠળ ઓલીએ સત્તા છોડવી પડી હતી.
ઓલીનું હાલનું સરનામું અજાણ
મીડિયા અહેવાલો મુજબ ઓલી હાલમાં કાઠમંડુથી આશરે 15 કિમી પૂર્વે ભક્તપુર જિલ્લાના ગુંડુ વિસ્તારમાં એક ખાનગી ઘરમાં રહેવા ગયા છે. જો કે સત્તાવાર સ્તરે તેમના હાલના સરનામા અંગે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીના પ્રમુખ અને ભૂતપૂર્વ વડા પ્રધાન તરીકે ઓલી હજી પણ વિરોધીઓના નિશાન પર છે. જેના કારણે તેમની સુરક્ષા ચિંતાઓ યથાવત છે.
વિરોધીઓએ ઓલીના ઘરને આગ લગાવી વિરોધ ચળવળ તા .8 સપ્ટેમ્બરથી શરૂ થયું હતું. જેના બીજા જ દિવસે ભક્તપુર જિલ્લાના બાલાકોટમાં સ્થિત ઓલીના ઘરને વિરોધીઓએ આગ લગાવી દીધી હતી. આ ઘટનાએ પરિસ્થિતિને વધુ ભડકાવી હતી અને ઓલી સહિતના ઘણા વરિષ્ઠ નેતાઓને લશ્કરી રક્ષણમાં રહેવાની ફરજ પડી હતી.
અન્ય નેતાઓ પણ સુરક્ષિત સ્થળે ખસેડાયા
અહેવાલો અનુસાર માત્ર કેપી ઓલી જ નહીં પરંતુ ભૂતપૂર્વ વડા પ્રધાન પુષ્પ કમલ દહલ, શેર બહાદુર દેઉબા, ઝાલનાથ ખાનાલ અને માધવ કુમાર સહિતના વરિષ્ઠ નેતાઓએ પણ થોડા દિવસો માટે સૈન્ય રક્ષણ હેઠળ આશરો લીધો હતો. ખાસ કરીને નેપાળી કોંગ્રેસના પ્રમુખ શેર બહાદુર દેઉબા અને તેમની પત્ની. આ ઉપરાંત ભૂતપૂર્વ વિદેશ પ્રધાન અર્જુ રાણા દેઉબાને આંદોલન દરમિયાન ઈજાઓ થતાં તેઓને વધારાની સુરક્ષા આપવામાં આવી હતી.
નેપાળમાં રાજકીય અસ્થિરતા યથાવત
જનરલ-ઝેડ ચળવળ પછી ઉભી થયેલી પરિસ્થિતિને કારણે નેપાળની રાજકીય વ્યવસ્થામાં અનિશ્ચિતતા વધી રહી છે. વચગાળાની સરકાર રચાઈ હોવા છતાં દેશની આંતરિક સુરક્ષા અને સ્થિરતા હજુ પણ પડકારરૂપ છે.