Editorial

ઉત્તરાખંડ અને હિમાચલમાં વારંવાર સર્જાતી વરસાદી હોનારતો માટે હવામાન પરિવર્તન જવાબદાર

છેલ્લા કેટલાક વર્ષથી ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ જેવા ઉત્તરીય પર્વતાળ રાજ્યોમાં વરસાદને કારણે ભારે તબાહીના અનેક બનાવો બની રહ્યા છે. આ વખતે પણ ચોમાસામાં આવી ઘટનાઓ બની, અને હવે ચોમાસાની વિદાયનો સમય નજીક આવી રહ્યો છે ત્યારે પણ ફરી એક વાર આ બંને રાજ્યો ભારે વરસાદના પ્રકોપનો ભોગ બન્યા છે.  ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂન અને રાજ્યના અન્ય ઘણા સ્થળોએ સોમવારે મોડી રાત્રે  રાત્રે વાદળો ફાટવાની ઘટનાઓ અને ભારે વરસાદને કારણે વિનાશના દ્રશ્યો સર્જાયા છે. ઉભરાતી નદીઓએ ઇમારતો, માર્ગો અને પૂલોને તોડી નાખ્યા હતા જેમાં ઓછામાં ઓછા ૧પ જણા માર્યા ગયા હતા, ૧૬ જણા લાપતા થયા હતા અને આ પર્વતીય રાજ્યમાં વિવિધ સ્થળોએ ૯૦૦ કરતા વધુ લોકો ફસાયા હતા. વિદાય લઇ રહેલો વરસાદ પણ અહીં કેવી તબાહી મચાવી શકે છે તેનું આ ઉદાહરણ છે. કુલ જાનહાનિમાંથી ફક્ત દેહરાદૂન જિલ્લામાં જ ૧૩નાં મોત થયા છે જ્યારે નૈનિતાલ અને પિથોરાગઢમાં એક-એકનાં મોત થયા છે. વિવિધ બનાવોમાં ત્રણને ઇજા પણ થઇ છે.

વરસાદને કારણે મોટાભાગની નદીઓ છલકાઈ ગઈ હતી. તમસા નદી, જેને ટોન્સ નદી તરીકે પણ ઓળખવામાં આવે છે, તેના કિનારે આવેલા પ્રખ્યાત ટપકેશ્વર મંદિરમાં પાણી ભરાઈ ગયું હતું, જેના કારણે તેના પ્રવેશદ્વાર પાસેની વિશાળ હનુમાન પ્રતિમા ખભા સુધી ડૂબી ગઈ હતી. મંદિરના પૂજારી બિપિન જોશીએ જણાવ્યું હતું કે તેમણે છેલ્લા 25 થી 30 વર્ષોમાં નદીના પાણી આટલા ઊંચા વધતા જોયા નથી. પૂજારીની વાત સાચી હોઇ શકે છે. અહીં વરસાદ અને હવામાનની અન્ય ઘટનાઓની તીવ્રતા વધી રહી છે. દહેરાદૂન જિલ્લામાં રસ્તાઓ તૂટી ગયા હતા અને ઘણા પુલ ધોવાઈ ગયા હતા. ઉભરાતી નદીઓ રસ્તાઓ પર વહેતી હોવાથી, લોકોને સલામત સ્થળે ખસેડવા એક મોટો પડકાર હતો. રાજ્યમાં ઘણા માર્ગો, ઘરો અને દુકાનોને નુકસાન થયું છે જયારે અનેક પુલો તણાઇ ગયા છે.

પાડોશના હિમાચલ પ્રદેશમાં પણ સ્થિતિ સારી નથી. આખી રાત પડેલા ભારે વરસાદને કારણે હિમાચલ પ્રદેશમાં મોટા પાયે ભેખડ ધસવાના બનાવ બન્યા હતા અને પૂર આવ્યું હતું, જેમાં મંડી જિલ્લામાં એક પરિવારના ત્રણ સભ્યોનાં મોત થયાં હતાં અને એક બસ સ્ટેન્ડ ડૂબી ગયું હતું.  આ રાજ્યએ આ વષમાં અત્યાર સુધીમાં વાદળ ફાટવાની ૪૬, ભૂસ્ખલનની ૧૪૦ અને ઘોડાપૂરની ૯૭ ઘટનાઓ જોઇ છે. આ બંને રાજ્યો કેવી ભયંકર તબાહીઓ ચોમાસામાં જોઇ રહ્યા છે તેનું આ ઉદાહરણ છે. જો કે કાશ્મીર સહિતના બીજા ઉત્તરીય રાજ્યો પણ વરસાદી હોનારતો સહન કરે છે પરંતુ આ બંને રાજ્યોને સૌથી વધુ સહન કરવાનો વારો આવ્યો છે.

હાલમાં પડેલા ભારે વરસાદ માટે હવામાન વિભાગે પૂર્વીય અને પશ્ચિમી પવનોની ટક્કરનું કારણ આપ્યું છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં રાત્રે ભારે વરસાદે જે હાહાકાર સર્જ્યો તે ભેજથી ભરેલા પૂર્વીય પવનો અને સૂકા પશ્ચિમી પવનો વચ્ચે થયેલી ઉગ્ર ટક્કરને કારણે થયું હતું એ મુજબ હવામાન શાસ્ત્રીઓએ જણાવ્યું હતું. ભારતીય હવામાન વિભાગના દેહરાદૂખ ખાતેના પ્રાદેશિક કેન્દ્રના વડા સી.એસ. તોમરે જણાવ્યું હતું કે ઉત્તરાખંડ અને હિમાચલમાં ભારે વરસાદ સૂકા પશ્ચિમી અને ભેજવાળા પૂર્વીય પવનો ભેગા થવાથી સર્જાયો હતો અને ટક્કરની આ પ્રક્રિયા આગામી ૨૪ કલાક સુધી ચાલુ રહી શકે છે એમ તેમણે જણાવ્યું હતું. ખાનગી હવામાન આગાહીકાર કંપની સ્કાયમેટના ઉપપ્રમુખ મહેશ પલાવતે જણાવ્યું હતું કે આ પ્રદેશમાં હાલ કોઇ મોટી હવામાન સિસ્ટમ અસ્તિત્વમાં નથી.

દેખીતી રીતે પવનોની ટક્કર જ જવાબદાર ગણી શકાય. આ રાજ્યોમાં આવી હોનારતો માટે ભલે હવામાનના આવા પરિબળો જવાબદાર હોય પરંતુ તેમની તીવ્રતા વધવા માટે આ રાજ્યો અને તેમની આજુબાજુના રાજ્યોમાં પાંખી થયેલી વનરાજી, ખાસ કરીને પૂર્વથી બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવનોને રોકતા વૃક્ષો મોટા પ્રમાણમાં કપાઇ ગયા તે ઘણે અંશ જવાબદાર જણાય છે. આ પવનો હવે સડસડાટ આ પર્વતીય રાજ્યો સુધી ખેંચાઇ આવે છે અને છેવટે પર્વતો સાથે અથડાઇને અટકે છે અને ભારે વરસાદ પડે છે અને તબાહી મચે છે.

બીજા પણ અનેક કારણો નિષ્ણાતો આપે છે.  ગરમ વાતાવરણ વધુ ભેજ ધરાવે છે, જેના કારણે વધુ તીવ્ર અને અચાનક ભારે વરસાદની ઘટનાઓ અને વાદળ ફાટવાની ઘટનાઓ બને છે. આબોહવા પરિવર્તન જેટ સ્ટ્રીમ સહિત વૈશ્વિક પવન પેટર્નને વિક્ષેપિત કરી રહ્યું છે, જે સિસ્ટમને નબળી પાડે છે અને પ્રદેશના આકાશમાં અસ્થિરતામાં ફાળો આપે છે. હિમાલય પર્વતોનો ઢાળવાળો, અસમાન ભૂપ્રદેશ ભારે વરસાદ પડે ત્યારે ભૂસ્ખલન અને માટી ધોવાણનો શિકાર બને છે. ગરમ તાપમાનના કારણે હિમનદીઓ ઝડપી દરે પીગળી રહી છે, જે ઢોળાવને અસ્થિર બનાવે છે અને અસ્થિર લટકતા બરફના સમૂહ બનાવે છે જે ભારે વરસાદ દરમિયાન અચાનક પૂરમાં ફાળો આપી શકે છે. આમ હવામાન પરિવર્તન અને પ્રદૂષણ અહીંની આ હોનારતોમાં મોટો ભાગ ભજવી રહ્યું છે.

Most Popular

To Top