પતિ ગામની વિધવાના પ્રેમમાં પડ્યો હતો, પોલીસે પત્નીની ધરપકડ કરી

ઉમરેઠ.
આણંદના ઓડ ગામ પાસે આવેલા કણભઇપુરા ગામમાં એક મહિલાએ ચપ્પાના ઘા ઝીંકી ગામની જ અન્ય મહિલાની હત્યા કરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક મહિલાનો આરોપી મહિલાના પતિ સાથે આડો સબંધ હોવાનું ખુલ્યું હતું આ અંગે ખંભોળજ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
ઓડ પાસે આવેલા કણભઈપુરા ગામમાં રહેતો અશોક કાંતિભાઈ ઠાકોર છેલ્લા કેટલાક સમય થી ગામની અન્ય વિધવા મહિલાના પ્રેમમાં પડ્યો હતો. આ આડા સંબંધની જાણ તેની પત્ની ગાયત્રીબેન અશોકભાઈ ઠાકોરને થતા તેમણે વિરોધ કર્યો હતો. પરંતુ પ્રેમ પ્રકરણ યથાવત રહ્યું હતું. દરમિયાનમાં ગુરુવાર ની રાત્રે ગાયત્રી અચાનક ચપ્પા સાથે વિધવા મહિલાના ઘરે પહોંચી ગઇ હતી અને ચપ્પાના ઘા ઝીંકી દેતા પતિની પ્રેમિકા એવી વિધવા મહિલાનું મોત નીપજ્યું હતું. આ ઘટનાથી ગામમાં ચકચાર મચી ગઇ હતી.
આ ઘટનાના પગલે ખંભોળજ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ગાયત્રીબેનની અટક કરી પોલીસ સ્ટેશન લાવ્યા હતા.