Vadodara

અસામાજિક તત્વોએ માથું ઊંચકતા સતત પાંચ વર્ષથી આયોજિત થતા ગરબાની પરંપરા તૂટશે

પંડયાબ્રિજ નજીક રામેશ્વર ચાલમાં બાળ ગોપાલ ગરબા મહોત્સવ નહીં યોજાય

દારૂ,ચરસ,ગાંજો જેવા નશીલા પદાર્થોનું વેચાણ સેવન સહિતની પ્રવૃતિઓ ચાલે છે,મોટો બનાવ બનશે તો જવાબદાર કોણ ? વિજયભાઈ

( પ્રતિનિધિ )વડોદરા,તા.18

વડોદરા શહેરના પંડયાબ્રિજ નજીક નવાયાર્ડ વિસ્તારમાં માથું ઊંચકી રહેલા અસામાજિક તત્ત્વોને કારણે અને ચોરીના થતા બનાવોને લઈ આ વર્ષે રામેશ્વર યુવક મંડળ દ્વારા ચાલના રહીશો માટે બાળ ગોપાલ ગરબા મહોત્સવ નહીં કરવાનો નિર્ણય લેતા પાંચ વર્ષ જૂની પરંપરા તૂટશે.

વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં આવેલા રામેશ્વર યુવક મંડળ દ્વારા પાંચ વર્ષથી રામેશ્વર ચાલ વિસ્તારના કોમન પ્લોટમાં બાળકો માટે ગરબાનું આયોજન કરવામાં આવે છે. જેમાં બાળકો માતાઓ અને બહેનો ગરબે ઘૂમી માતાજીની આરાધના કરતા હોય છે. પરંતુ, આ વખતે સ્થાનિક રહીશોએ ગરબા નહીં કરવાનો નિર્ણય લીધો છે. જેનું મુખ્ય કારણ ચોરીના બનાવો તેમજ પાછળ આવેલા નવાયાર્ડ રેલવે વિસ્તારના નશાખોર અને ગંજેડી તત્ત્વોને ગણાવવામાં આવ્યા છે. ગરબાના આયોજક અને વિસ્તારના સ્થાનિક રહીશ વિજયભાઈએ જણાવ્યું હતું કે, જ્યાં ગરબાનું આયોજન થાય છે, તેની પાછળ જ દારૂ, ચરસ, ગાંજા જેવી નશીલા પદાર્થોનું વેચાણ સેવન સહિતની પ્રવૃત્તિઓ ચાલે છે. પોલીસ અમને સહકાર આપે છે તેમાં ના નથી. પરંતુ, આવા તત્ત્વો ને કારણે કોઈ બનાવ બની જાય તો તેના માટે જવાબદાર કોણ ? બીજા વિસ્તારમાં સીસીટીવી કેમેરા નાખવામાં આવ્યા છે. પરંતુ અમારા વિસ્તારમાં હજી કેમેરા નાખવામાં આવ્યા નથી. જેને કારણે ગરબા યોજવાનું જોખમ લેવું ઉચિત જણાતું નથી અને આવતા વર્ષે જો સુરક્ષા જળવાશે તો અમે ફરીથી ગરબા શરૂ કરીશું તેમ જણાવ્યું હતું.

Most Popular

To Top